“વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે : મુખ્ય સચિવ પંકજ જાેષી
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જાેષીએ ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ જાેષીને આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ જાેષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, ‘આર્ત્મનિભર ગુજરાત થકી આર્ત્મનિભર ભારત’ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્નો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે, અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના વડા- અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની પંકજ જાેષી વર્ષ ૧૯૮૯માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જાેડાયા હતા. જાેષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે. તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સફળતાપૂર્વક ફરજ બજાવીને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે.