ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ૨૦૩૧-૩૨માં ૯૦૦ ગીગાવોટ થવાની સંભાવનાઃ રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જાેવા મળ્યો છે. જેના કારણમાં રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૧,૧૩,૯૩૯ મિલિયન યુનિટથી ૨૮ ટકા જેટલો વધીને વર્ષ ૨૦૨૪માં ૧,૪૫,૭૪૦ મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો ૧,૧૩,૬૯૭ મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર ૨૦૩૧-૩૨માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાને ૯૦૦ ગીગાવોટ સુધી લઈ જવાની પણ યોજના ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે સોમવાર તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મંત્રી શ્રીપદના નિવેદનમાં જણાવાયું છે કે સરકારે છેલ્લા દસ વર્ષમાં દેશને વીજળીની ખાધમાંથી પર્યાપ્ત વીજળી ધરાવતાં દેશમાં પરિવર્તિત કર્યો છે. દેશની વર્તમાન સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ૪,૬૨,૦૬૫ મેગાવોટ છે. વધુમાં જણાવ્યા મુજબ એપ્રિલ ૨૦૧૪થી ૨,૩૦,૦૫૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને ભારત સરકારે વીજળીની ઉણપના નિર્ણાયક મુદ્દાને ઉકેલ્યો છે. ૨૦૩૧-૩૨માં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ૯૦૦ ગીગાવોટ થવાની સંભાવના છે જેમાં પરંપરાગત સ્ત્રોતો- કોલસો, લિગ્નાઈટ વગેરે, બિનપરંપરાગત સ્ત્રોતો- સૌર, પવન, હાઇડ્રો, પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ (પીએસપી) અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ)નો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ઊર્જા મંત્રાલયે રાજ્યો સાથે પરામર્શ કરીને ૨૦૩૧-૩૨ સુધીમાં ઓછામાં ઓછી ૮૦,૦૦૦ મેગાવોટની થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાની યોજનાની કલ્પના કરી છે. આ લક્ષ્યાંક સામે ૨૮,૦૨૦ મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા પહેલેથી જ નિર્માણાધીન છે અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૯,૨૦૦ મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, એમ જણાવી, તેમણે ઉમેર્યું હતું કે વધુમાં ૩૬,૩૨૦ મેગાવોટ કોલસો અને લિગ્નાઈટ આધારિત ઉત્પાદન ક્ષમતા તૈયાર કરવાનું આયોજન છે, જે દેશમાં આયોજનના વિવિધ તબક્કામાં છે. આ ઉપરાંત ૧૩,૯૯૭.૫ મેગાવોટના હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને ૮,૦૦૦ મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (પીએસપી) નિર્માણાધીન છે. ૨૪,૨૨૫.૫ મેગાવોટના હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ૫૦,૭૬૦ મેગાવોટ પીએસપી યોજનાના પ્રોજેક્ટ વિવિધ તબક્કા હેઠળ છે અને ૨૦૩૧-૩૨ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. ૭,૩૦૦ મેગાવોટ પરમાણુ વીજ ક્ષમતા નિર્માણાધીન છે અને ૨૦૨૯-૩૦ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ૭,૦૦૦ મેગાવોટ યોજના આયોજન અને મંજૂરીના વિવિધ તબક્કાઓ હેઠળ છે. તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીશ્રીપદના નિવેદન મુજબ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રીએ (સ્દ્ગઇઈ) નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૭-૨૮ સુધી રિન્યુએબલ એનર્જી અમલીકરણ એજન્સીઓ થકી ૫૦ ગીગાવોટ/વાર્ષિક રિન્યૂએબલ એનર્જીનો વીજ પુરવઠો પ્રાપ્ત કરવા માટેની બિડ મંગાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ઓટોમેટિક રૂટ હેઠળ ૧૦૦ ટકા સીધા વિદેશી મૂડીરોકાણ (એફ.ડી.આઈ.)ની મંજૂરી પણ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન પ્લાનિંગ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન મુજબ ૨૦૨૨-૨૩ થી ૨૦૩૧-૩૨ સુધીના દસ વર્ષના સમયગાળા દરમિયાન આધારે ૧,૯૧,૪૭૪ સીકેએમ ટ્રાન્સમિશન લાઇન અને ૧૨૭૪ જીવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા (૨૨૦ કેવી અને તેનાથી ઉપરના વોલ્ટેજ સ્તરે) ઉમેરવાનું આયોજન છે.