વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થઈ રહ્યા છે. ખંભાળિયા તાલુકાની દાંતા ગામની શાળા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં પ્રત્યેક વર્ગખંડમાં સ્માર્ટ ટીવી, ડિજિટલ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, પ્રાર્થના માટે મ્યુઝિક સિસ્ટમ, ગાર્ડન અને સંપૂર્ણ સી.સી. ટી.વી. સુરક્ષા વ્યવસ્થા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ આધુનિકીકરણના કારણે ગામના બાળકોને ઊચ્ચ ગુણવત્તાનું અને ટેકનોલોજી આધારિત શિક્ષણ મળી રહ્યું છે. આ સાથે ગુજરાત સરકારની સહાયથી રૂા.૪૦ લાખના ખર્ચે શાળામાં ત્રણ નવા રૂમ, વિશાળ લોબી અને હાલના શાળા બિલ્ડિંગનું સંપૂર્ણ કલરકામ કરવામાં આવશે. આથી લાઈબ્રેરી, શાળા ઓફિસ અને વર્ગખંડો નવીન સુવિધાઓ સાથે અપગ્રેડ થશે. આ રીનોવેશનથી ભવિષ્યની પેઢીને વધુ ગુણવત્તાસભર શિક્ષણ મળશે. આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક વિકાસ પ્રોજેક્ટ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને ગામના વતની રાજુભાઈ સરસીયા, દાંતા ગ્રામ પંચાયત અને પ્રિન્સિપાલ રવિભાઈ નડીયાપરાની નોંધપાત્ર જહેમત અને શાળાની સુવિધાઓમાં વધારો કરવા થયેલી અસરકારક રજૂઆત ના પરિણામે સાકાર થઈ રહ્યો છે. આ સાથે ગ્રામ પંચાયત દ્વારા રૂા.આઠ લાખના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા માટે નાણા પંચના ગામમાં પાણીના અવેડા, મહિલાઓ માટે સ્નાન ઘાટ, તેમજ અંડરગ્રાઉન્ડ ગટર અને પાણીના ટેન્ક જેવા વિકાસ કામોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે ગામના સરપંચ જસવંતસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભરવાડના હસ્તે રૂા.૪૮ લાખના કુલ વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષક વિરલભાઈ અને સમગ્ર શાળા સ્ટાફ, તલાટી મંત્રી અલ્પેશગીરી ગોસ્વામી, સ્થાનિક અગ્રણીઓ વનરાજસિંહ વાળા, લખુભા જાડેજા, ડાવાભાઈ ગઢવી, મુકેશગીરી ગોસ્વામી, સોમાભાઈ સિંચ, નાગદાનભાઈ ચારણ, સોમાભાઈ ભરવાડ, ભારમલભાઈ ભરવાડ, ધીરાભાઈ રાવળ, મહાવીરસિંહ જાડેજા, માલાભાઈ સિંચ અને ગ્રામજનો સાથે ગામના યુવાનો અને અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી, ગામની વિકાસ યાત્રામાં પોતાનો સક્રિય સહયોગ નોંધાવ્યો હતો. દાંતા ગામે શિક્ષણ અને વિકાસ ક્ષેત્રે એક મજબૂત પગલું ભર્યું છે. ગુજરાત સરકારની નવી નીતિઓ અંતર્ગત હવે સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે, અને ગામોમાં નિતનવા વિકાસ પ્રોજેક્ટ અમલમાં આવી રહ્યા છે. આ વિકાસ યાત્રામાં ગામના દરેક નાગરિકનો સહયોગ મહત્વનો બની રહ્યો છે.