ગુજરાતી ફૂડ ફેસ્ટિવલનું ઉદઘાટન : બિનનિવાસી ભારતીય ગુજરાતી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવી સદાકાળ ગુજરાતમાં જાેડાયા : વિકાસના રોડ મોડલ ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા મુખ્યમંત્રીએ પ્રસ્તુત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમનું ઉદઘાટન કરતાં કહ્યું કે, ગુજરાત એ માત્ર ચાર અક્ષરનો શબ્દ ન રહેતા સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે રીન્યુએબલ એનર્જી વોટર ગ્રીડ ગેસ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર ગુજરાત નવા યુગના ઉભરતા ક્ષેત્રો સેમીકંડક્ટર ગ્રીન ગ્રોથે વગેરેમાં પણ લીડ લેવા સંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રીએ ભોપાલમાં વસતા ૨૦૦૦થી વધુ ગુજરાતી પરિવારો સમક્ષ આ સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં રાજ્યના વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરવા સાથે દેશના વિકાસ રોલ મોડલ તરીકે ગુજરાતની પ્રગતિ ગાથા વર્ણવી હતી. સદાકાળ ગુજરાત કાર્યક્રમ રાજ્ય સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં યોજવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના પરિવારો- લોકોનો ગુજરાત સાથે ગુજરાતના વિકાસ સાથે સંબંધસેતુ વધુ સંગીના બનાવવાનો છે. આ પરંપરામાં ૨૦૨૫ના વર્ષનો સદાકાળ ગુજરાત કાર્યક્રમ મધ્યપ્રદેશની રાજધાનીમાં યોજવામાં આવ્યો હતો. ૨૦૨૪માં આવો કાર્યક્રમ કર્ણાટક બેંગ્લોરમાં યોજાયો હતો. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ, સાંસદ વિષ્ણુદત્ત શર્મા તથા ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કહ્યું કે ગુજરાત જ્યારે ૧૯૬૦માં અલગ રાજ્ય બન્યું ત્યારે રણ દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય કેવી રીતે વિકાસ કરશે તે સૌના મનમાં પ્રશ્ન હતો. એ જ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે ઉમેર્યું કે વીજળીની તંગી, પાણીની અછત, રોડરસ્તાનો અભાવ, જેવી વિકટ સ્થિતિ હતી. નરેન્દ્ર મોદીએ શાસનદાયિત્વ સંભાળતાં સ્થિતિમાં બદલાવ આવ્યો છે. તેમણે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું, વીજળી ૨૪ કલાક મળતી થઈ, આરોગ્યસેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી છે. ગુજરાતે વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ આજે દેશના અન્ય રાજ્યોમાં શરૂ થઈ છે, તેમા ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતને રોજગારી સર્જનમાં અગ્રેસર રાખવા સાથે વિદેશના રોકાણકારોને પણ ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા છે. આજે વિશ્વની ટોપ-૫૦૦માંથી ૧૦૦ કંપનીઝ ગુજરાતમાં છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને સાકાર કરવામાં આવા સદાકાળ ગુજરાત જેવા કાર્યક્રમો ઉપયુક્ત બન્યા છે, તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે દેશના રાજ્યો એકબીજાની વિકાસ-વાતો બેસ્ટ પ્રેક્ટિસીસનું પરસ્પર આદાન-પ્રદાન કરીને વિકસિત ભારત માટે સૌ સાથે મળીને આગળ વધવું છે. ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશમાં વસતા ગુજરાતી પરિવારો મધ્યપ્રદેશના વિકાસમાં પણ અગ્રીમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતનો મંત્ર સૌ ગુજરાતીઓ દેશમાં જ્યાં પણ વસે છે ત્યાંના વિકાસમાં યોગદાન આપીને પાર પાડે છે તેનો આનંદ પણ તેમણે દર્શાવ્યો હતો. રાજ્યપાલ મંગુભાઈ પટેલે મધ્યપ્રદેશના પ્રથમ નાગરિક તરીકે સદાકાળ ગુજરાત જેવા કાર્યક્રમો મધ્યપ્રદેશમાં આયોજન કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતીઓની વિશેષતા છે કે જ્યાં જાય ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. મધ્યપ્રદેશમાં અંદાજે બે લાખ જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે તેનું આ પ્રદેશના વિકાસમાં મોટું યોગદાન છે. રાજ્યપાલએ ઉમેર્યું કે વડાપ્રધાનએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે, તેના પરિણામે દેશના સૌ લોકોનો વિકાસમાં સહયોગ મળે છે. ભારત વડાપ્રધાનના નેતૃત્વમાં આના પરિણામે વિશ્વગુરૂ બનશે જ તેમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લએ ગુજરાતને ઈશ્વરકૃપાની ભૂમિ ગણાવતા કહ્યું કે સ્વરાજ્યનું નેતૃત્વ કરનારા ગાંધીજી, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ અને હવે સૂરાજ્યના પ્રેરણાસ્રોત નરેન્દ્રભાઈ, અમિતભાઈ આ બધા જ ગુજરાતની ધરતીના એવા સંતાન છે જે દેશને દિશા આપતા રહ્યા છે. તેમણે સદાકાળ ગુજરાત કાર્યક્રમને મધ્યપ્રદેશ અને ગુજરાતને વધુ નજીક લાવવાનો સમયોચિત ઉપક્રમ ગણાવ્યો હતો. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અને બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવીએ સદાકાળ ગુજરાત કાર્યક્રમના સમગ્ર આયોજનની ભૂમિકા આપી હતી. તેમણે વતન બહાર વસતા ગુજરાતીઓ વતનની મહેક જ્યાં પણ તેઓ વસ્યા હોય ત્યાં પ્રસરાવે છે, તેની સરાહના કરતા મધ્યપ્રદેશ ગુજરાતી સમાજના કાર્યોને બિરદાવ્યા હતા. હર્ષ સંઘવીએ ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજાેને ગુજરાત ભવ્ય નિર્માણ માટે રાજ્ય સરકારની સહાય તથા તે રાજ્યના યુવાનોને ગુજરાત દર્શન માટેના વતન પ્રવાસ યોજનાની વિગતો પણ આપી હતી. મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ વિષ્ણુદત શર્માએ સૌને આવકાર્યા હતા અને ગુજરાતમાં ડાયમંડ પોલિસીંગ માટેનું રો-મટીરીયલ-કાચો માલ, હીરા તેમના મતક્ષેત્રના પન્નામાંથી મળે છે તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.