સોમનાથ વાગોળે છે ૩ એપ્રિલ આજના મોબાઈલ ગુગના જન્મદિવસે…
મોટારોલા કંપનીના ઈન્જીનીયર માર્ટીન કુપરે એપ્રિલ ૩ અને ૧૯૭૩ના દિવસે દુનિયાનો સૌથી પહેલો સેલફોન કોલ કર્યો ત્યારેથી શરૂ થયેલી મોબાઈલની અવનવા અપડેટો સાથે થયેલી વિકાસયાત્રા પ્રસંગે માણીયે સોમનાથ-પ્રભાસના તે પ્રારંભ યુગના સંભારણા. સોમનાથ-પ્રભાસ-પાટણમાં જયારે પહેલો મોબાઈલ યુગ આવ્યો ત્યારે લોકોને નવાઈ ચમત્કાર લાગ્યો કે ટેલીફોનના દોરડા વગર વાત કેવી રીતે થાય છે. જેની પાસે તે સમયમાં નોકીયા ૩૩૧૦ હોય તેનો માભો પડતો. તે સમયે ૭૦૦૦માં જે મોબાઈલ મળતા તેમાંથી માત્ર વાતો જ થઈ શકતી. ઈન્કમીંગ અને આઉટગોઈંગ ચાર્જ અલગ હતા. આજે એટલી જ કિંમતમાં વ્હોટસએપ, ફેસબુક, ઈ-મેઈલ, બીલ ચુકવણા સહિત અને સુવિધાઓ મોબાઈલમાં મળે છે. તે સમયે ગામેગામ મોબાઈલ ટાવર ન હતા જેથી કેટલીકવાર ફોનની ઘંટડી વાગે એટલે છેક ત્રીજી અગાસીએ અને ગામડામાં તો લોકો ઝાડ ઉપર ઉંચે ચઢી નેટવર્ક મેળવતા. ત્યારે બાળક રડતું ત્યારે હાલરડા ગવાતા અને આજે નાનું બાળક રડે તો તેને શાંત રાખવા મોબાઈલ ધરી દેવાય છે. અગર તેમાનું ગીત વગાડો એટલે બાળક પણ શાંત થઈ જાય છે. પ્રભાસના મોબાઈલ દુકાનધારક હિરેન જીમુલીયા પાસે ચકરડા એટલે કે ડાયલવાળા ફોનથી માંડી આજના અદ્યતન મોબાઈલ વિકાસની અઢળક વાતોનો ખજાનો છે. પ્રભાસમાં આ મોબાઈલ યુગ પહેલા ઉઠતા વેત કોઈ સ્મરણ કરાતું હવે સવાર ઉઠતાવેત પહેલા મોબાઈલ મેસેજ, વ્હોટસએપ, ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ જાેઈલે છે. રાત્રે નિંદર પહેલા કે અરધ નિંદર પત્યા પછી મોબાઈલ વ્યવસ્ત પરિવારો કે વ્યક્તિઓની સંખ્યા કુદકે ભૂસકે વધી રહી છે. સ્મશાન હોય, સ્ટેશન હોય કે દવાખાનું હોય મોબાઈલ વગર કોઈને બિલકુલ ચાલતું જ નથી. ભારતમાં પ્રથમ મોબાઈલ શરૂઆત ૩૧ જુલાઈ ૧૯૯પમાં પ્રથમવાર થઈ હતી. જેમાં તત્કાલીન પશ્ચીમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જયોતિ બસુએ તે સમયે કલકતાથી પ્રથમ કોલ કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામ સાથે દિલ્હી વાત કરી હતી.