ગીર સોમનાથમાં તંત્રની ઝુંબેશમાં ૧૨૫૭ કરોડની કિંમતની ૭૮૭ હેકટર સરકારી જમીનો ઉપરના દબાણો થયા દુર

0

જીલ્લા કલેકટરના નેતૃત્વમાં ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશને નોંધપાત્ર આવકાર સાથે સફળતા મળી

ગીર સોમનાથ જીલ્લામાં ગૌચર અને સરકારી જમીનો ઉપર મોટા પ્રમાણમાં દબાણો થયા હોવા અંગે અનેકવાર ફરિયાદો થવા છતાં ઠોસ કાર્યવાહીનો અભાવ જણાતો હતો. દરમ્યાન એક વર્ષ પહેલા જીલ્લા કલેકટરનો ચાર્જ સંભાળનાર અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સરકારી ગૌચરની જમીનો ખુલી કરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા જિલ્લાભરમાં સરકારી અને ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણ ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જેને નોંધપાત્ર સફળતા મળી હોય તેમ અંદાજે ૧૨૫૭ કરોડની સરકારી જમીન ખુલ્લી થવા પામી છે. આ દબાણ હટાવ ઝુંબેશ રાજ્યના અન્ય જીલ્લાઓ માટે પ્રેરણાદાયી બની રહી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ગીર સોમનાથ જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ગૌચરની જમીનો પરથી મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે અંગે જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના દિશા નિર્દેશ મુજબ જીલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો ખુલ્લી કરાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે ઝુંબેશ હેઠળ ગેરકાયદેસર દબાણો બુલડોઝર થકી દુર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ હેઠળ જીલ્લામાં કુલ ૩,૮૭૨ દબાણો દુર કરવામાં આવ્યા છે. જેમાં સરકારી જમીન ૯૨ હેક્ટરમાં ૧,૦૪૨ દબાણો હટાવી રૂા.૪૨૦ કરોડની જમીન મુક્ત કરાવી છે. આર એન્ડ બી વિભાગની ૨૫ હેક્ટર જમીન પરથી ૫૬૧ દબાણો દૂર કરી રૂા.૮૧ કરોડની જમીન ખુલ્લી કરાવી છે. જ્યારે જીલ્લામાં સૌથી વધુ ગૌચરની ૬૭૦ હેકટર જમીન ઉપર ખડકાયેલા ૨,૨૬૯ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની કિંમત અંદાજે રૂા.૭૫૬ કરોડ છે. આમ તમામ સરકારી અને ગૌચરની મળીને કુલ ૭૮૭ હેક્ટર સરકારી જમીન પરથી દબાણો દુર કરવામાં આવ્યા છે. આ ૭૮૭ હેકટર જમીનની કિં.રૂા.૧,૨૫૭ કરોડની થાય છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રહેશે. જેમાં કોઈપણ નાગરીક દ્વારા સરકારી જમીનો પરના દબાણોની કરાતી ફરીયાદની તપાસ કરાવી યોગ્ય જણાશે તો તેવા દબાણો પણ દુર કરવામાં તંત્ર પાછી પાની નહીં કરે તેવું અંતમાં જણાવેલ હતું.

error: Content is protected !!