સરકારે નજીવા વ્યાજદરે રૂા.૧૫ લાખની લોન મંજૂર કરતાં માનસિક અને આર્થિક રાહત થઈ : અરવિંદભાઈ પરમાર, મારો અભ્યાસ પૂર્ણ થયો છતાં લોનના હપ્તાની ચિંતા નથી, કેમકે સેટલ થવા છ માસ મળવાથી આર્થિક ભારણ રહેતું નથી : વિદ્યાર્થીની રીયાબહેન
કોઈપણ સમાજ કે દેશમાં તમામ ક્ષેત્રે વૈચારિક બદલાવ માટેનું પ્રથમ પગથિયું શિક્ષણ છે. ત્યારે સરકારની નવી શિક્ષણનીતિ વિકસિત ભારતના સંકલ્પને સુદ્રઢ કરવા સક્ષમ છે. ભારતરત્ન ડો. બી.આર.આંબેડકર શિક્ષણને સિંહણના દૂધ સાથે સરખાવતા હતા. દેશનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી અનેક યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓના સ્વપ્નને બુસ્ટ આપે છે. ગુજરાતના છેવાડાના ગામના કોઈ ગરીબ ઘરના દિકરા-દીકરી પણ વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન જાેઈ શકે અને તેને સાકાર પણ કરી શકે તેવી નીતિ રાજ્ય સરકારે ઘડી છે, જેના ફળ સ્વરૂપે વિદ્યાર્થીઓના વિદેશ ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સફળ થઈ રહ્યું છે. છેલ્લાં દસ વર્ષમાં અનુસૂચિત જાતિના ૩,૨૫૪ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારે રૂા.૪૮૫.૪૪ કરોડની લોન થકી વિદ્યાર્થીઓની ઉડાનને પાંખો આપી છે. આ યોજનાનો લાભ મેળવી રાજકોટના રીયાબહેન પરમારે યુ.કે થી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનુ. જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા અમલી વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજનાને રાજકોટમાં રહેતા અરવિંદભાઈ પરમાર આવકારે છે. અરવિંદભાઈએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યા બાદ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. મારી પુત્રી રીયાને રાજકોટથી બેચલર ઓફ ફિઝિયોથેરાપી કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની ઈચ્છા હતી. એક પિતા તરીકે મારે તેનું સ્વપ્ન પૂર્ણ કરવું હતું. અમે જીવનભરની મૂડી એકત્ર કરી અને અન્ય જગ્યાએથી પણ લોનની વ્યવસ્થા કરતા હતા એ દરમ્યાન અખબારમાં રાજ્ય સરકારની ઉચ્ચ અભ્યાસ લોનની જાહેરાત મારા ધ્યાને આવી. ત્યારબાદ નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ કચેરી રાજકોટનો સંપર્ક કરતા કચેરીના સંબંધિત કર્મચારી પાસેથી લોન માટે જરૂરી તમામ જાણકારી મળ્યા બાદ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી હતી. નજીવા વ્યાજદરે રૂા.૧૫ લાખની લોન સરકારે મંજૂર કરતા મને માનસિક અને આર્થિક રાહત થઈ હતી. આ પ્રકારની યોજનાથી વિદ્યાર્થીઓનું સ્વપ્ન તો પૂર્ણ થઈ શકે જ છે સાથે સાથે વાલીઓને પણ આર્થિક રીતે ટેકો મળી રહે છે. બ્લાન્ટન સીટી ઇંગ્લેન્ડ યુનિવર્સિટીથી તાજેતરમાં માસ્ટર ઓફ એડવાન્સ ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવનારા રીયાબહેન કહે છે કે, રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી હું સો ટકા અભ્યાસમાં ફોકસ કરી શકી. જાે આ લોન ન મળી હોત તો અભ્યાસની સાથે સાથે મારે પાર્ટ ટાઈમ જાેબ કરવી પડે અને હું અભ્યાસમાં ૧૦૦ ધ્યાન આપી ન શકત. રીયાએ વધુમાં કહ્યું હતું કે, મેં રાજકોટમાં બેચલર પછી ત્રણ વર્ષ પીડીયાટ્રીક ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન મને અંદરથી થતું કે, હજી કંઈક ખૂટે છે, અને વધુ અભ્યાસ મેળવી બાળકોની સારવાર માટે કટિબદ્ધ થવું છે. મારા આ ધ્યેયને પૂર્ણ કરવા સુધીની સફરમાં મને પેરેન્ટ્સની સાથે સાથે રાજ્ય સરકારનો પણ પૂરતો સહયોગ મળ્યો છે. યુ.કે.થી શિક્ષણમાં પ્રેક્ટીકલ, અસાઇમેન્ટબેઝ અને પ્રોજેક્ટ વર્ક પર કામ કરી નવી નવી થેરાપી શીખી છે, જે બાળકોની સારવાર માટે ઉપયોગી બનશે. હાલ મારો અભ્યાસ પૂર્ણ થયો છે અને હું જાેબ શોધી રહી છું છતાં મને લોનના હપ્તાની કોઈ ચિંતા નથી કારણકે, વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ સેટલ થવા માટે સરકાર છ માસની સમય મર્યાદા આપે છે. સરકારની આ યોજનાનો મોટો લાભ એ જ છે કે, વિદ્યાર્થીઓને આર્થિક રીતે ભારણ રહેતું નથી. શરૂઆતનો તબક્કો સંઘર્ષનો હોય, વિદ્યાર્થી પોતાનું ઘર, દેશ છોડીને અન્ય દેશમાં ભણવા અને જાેબ માટે સેટલ થાય તેમાં સમય લાગતો હોય છે. વ્યાજદર વાર્ષિક ૪ ટકા અને અભ્યાસ પૂર્ણ કર્યાના છ માસ બાદ લોનના હપ્તા શરૂ થતા હોવાથી વિદ્યાર્થીને સેટલ થવા પૂરતો સમય મળી રહે છે. વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક દરેક યુવાન માટે આ યોજના એક સુવર્ણ તક છે. જે વિદ્યાર્થીઓ જ્ઞાન અને પ્રતિભાથી સમૃદ્ધ છે, પણ તેઓ પાસે આર્થિક સંસાધનો ઓછા છે, તેઓએ રાજ્ય સરકારની આ લોન યોજનાનો લાભ લેવો જાેઈએ. તમારા હૃદયમાં જાે કોઈ સપનું છે, તો તે સાકાર કરવા માટેના પ્રયાસ શરૂ કરો. સરકારની સહાય સાથે, હવે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ સપનું નહીં, પણ એક હકીકત છે, તેવુ રીયાબહેને જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અને તેમાં સકારાત્મક પરિણામોથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સફળતાનાં શિખરો સર કરી રહ્યાં છે.