ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

0

અઢી વીઘા જમીન ઉપર ફર્યું સરકારી બુલડોઝર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો ધ્વસ્ત કરાઈ રહ્યા છે. ત્યારે આવા જ એક પ્રોહિબિશન બુટલેગર એવા ખંભાળિયા તાલુકાના લલીયા ગામના રમેશ ઉર્ફે રાહુલ ધારાણીના રહેણાંક મકાનમાં પોલીસ તંત્ર અને મહેસૂલી સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરી અને અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ અંગે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના લાલિયા ગામે રહેતા રમેશ ઉર્ફે રાહુલ ગોપાલ ધારાણી સામે અહીંના પોલીસ મથકમાં સમયાંતરે દારૂ સહિતના જુદા જુદા નવ ગુનાઓ નોંધાયા હતા. આ શખ્સની ઊંડાણપૂર્વકની તપાસમાં રેવન્યુ તંત્રને મળેલી માહિતીના આધારે લલીયા ગામની સરકારી જમીન પર રેવન્યુ સર્વે નંબર ૩૬૪ પર તેણે ગેરકાયદેસર દબાણ કરી અને બે રૂમ, ઓસરી વિગેરેનું પાકું બાંધકામ ચણી લીધું હતું. આથી અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા મહેસૂલી તંત્રને સાથે રાખીને ગઈકાલે બુધવારે ઉપરોક્ત આસામી દ્વારા લલિયા ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પી.આઈ. કે.એસ. ગોહેલ તેમજ આઈ.આઈ. નોયડા દ્વારા સરકારી ખરાબાની લાખો રૂપિયા બજાર કિંમત ધરાવતી આશરે અઢી વીઘા જેટલી સરકારી જમીન પર જેસીબીની મદદથી દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. આમ, ખંભાળિયા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી માલિકીની કિંમતી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી, તંત્રની કડક કાર્યવાહીથી આવા તત્વોમાં દોડધામની લાગણી પ્રસરી જવા પામી છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના એસ.પી. નિતેશ પાંડેય અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરૂ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પ્રોબેશનલ પી.આઈ. કે.એચ. ગોહિલ, આઈ.આઈ. નોયડા તેમજ મામલતદાર અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!