કેશોદમાં પાર્ક કરેલ કારમાં આગ લાગી 

ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો : કડવા પટેલ વાડી નજીક બનેલી ઘટનામાં કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અફરાતફરી શોર્ટ સકિર્ટ આગનું કારણ હોવાની શક્યતા

કેશોદમાં પાર્ક કરેલ કારમાં આગ લાગી 

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.23
કેશોદ શહેરમાં કડવા પટેલ વાડી નજીક યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ક કરેલી ટાટા ટિયાગો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે સમયસર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જેના કારણે મોટી જાનહાનિ તેમજ અન્ય વાહનોને નુકસાન થતું અટક્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના રહેવાસી વાસુ રસિકભાઈ સવસાણી પરિવાર સાથે કેશોદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ ઘરે પરત ફરવા માટે પોતાની ટાટા ટિયાગો કાર પાસે પહોંચ્યા હતા. કારનો દરવાજો ખોલતાની સાથે જ વાહનની અંદરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. થોડા જ સમયમાં આગની જ્વાળાઓ દેખાતા આસપાસ હાજર લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ વધુ ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી જતાં આસપાસ પાર્ક કરાયેલા અન્ય વાહનો તેમજ સંપત્તિને નુકસાન થતું અટક્યું હતું. આ ઘટનામાં કારને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સકિર્ટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ચિંતા ફેલાવી હતી પરંતુ ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.