પોરબંદરમાં સાયબર ફ્રોડનાં રૂા. 9 લાખના ઓપરેશન મ્યુલ હન્ટનાં વ્યવહારોનો પર્દાફાશ

દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો, મુખ્ય આરોપી રવિરાજ રાઠોડ ઝડપાયો : તેના ઉપર અગાઉના પાંચ ગુનાઓનો ઇતિહાસ પણ સામે આવ્યો

પોરબંદરમાં સાયબર ફ્રોડનાં રૂા. 9 લાખના ઓપરેશન મ્યુલ હન્ટનાં વ્યવહારોનો પર્દાફાશ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.20
ભારત સરકારના એનસીસીઆરપી(NCCRP) પોર્ટલ અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર નોંધાયેલી ફરિયાદોના આધારે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત પોરબંદર જિલ્લામાં સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા ત્રણ શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ દરમિયાન રૂા.9 લાખના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો છે.
આ મામલે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી રવિરાજ ઉર્ફે રવિ ધીરૂભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે પોરબંદર જિલ્લાના ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની રકમ જમા થતી હોવાની વિગતો સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં માધવપુરના નિતાબેન નાથાભાઈ વાજાના કેનેરા બેંક ખાતા તેમજ મોઢવાડાના વિશાલ દેવાભાઈ પાંડાવદરાના કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકના ખાતા મળી કુલ ત્રણ ખાતાઓ સામે સાત ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. નિતાબેન વાજાના ખાતા સામે મહારાષ્ટ્રમાં રૂા.50 હજાર અને પશ્ચિમ બંગાળમાંથી રૂા.2 લાખની ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે વિશાલ પાંડાવદરાના કેનેરા બેંકના બેક એકાઉન્ટ કૂલ બે ફરિયાદ નોંધાયેલ જેમાં  રૂા.1 લાખ રાજસ્થાનમાં અને અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં રૂા.2 લાખની મળી કુલ રૂા.3 લાખ રકમનો સમાવેશ થતો હતો. ઉપરાંત ઇન્ડિયન બેંકના ખાતામાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. જેમાં તેલંગાણા રૂા.3 લાખ, આંધ્રપ્રદેશમાં પાલનાડું જિલ્લાના નરસારાવેટ ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂા.50 હજાર અને ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ જિલ્લાના મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનમાં રૂા.50 હજાર મળી  ફરિયાદો નોંધાઈ હતી.
આમ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે નિતાબેન વાજા અને વિશાલ પાંડાવદરા પતિ-પત્ની છે. તેમના સંબંધી રવિરાજ ધીરૂભાઈ રાઠોડે ધંધાકીય કામના બહાને બંનેના બેંક ખાતાઓ મેળવી પોતાના આર્થિક લાભ માટે તેમાં સાયબર ફ્રોડની રકમ મંગાવી એ.ટી.એમ. અને ચેક મારફતે ઉપાડી સગેવગે કરી હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે નિતાબેન નાથાભાઈ વાજા, વિશાલ દેવાભાઈ પાંડાવદરા અને રવિરાજ ધીરૂભાઈ રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 61(2), 317(2), 317(4), 317(5), 318(4) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000ની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર દાખલ કરી મુખ્ય આરોપી રવિરાજ રાઠોડની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. સોલંકી ચલાવી રહ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મળેલા મ્યુલ એકાઉન્ટના ડેટાની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રવિરાજ ઉર્ફે રવિ ધીરૂભાઈ રાઠોડ સામે અગાઉ પણ કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં પ્રોહિબિશન, એટ્રોસિટી તેમજ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.