લોકશાહીના મહાપર્વ નિમિત્તે પોરબંદરના દરિયાકિનારે રેતી શિલ્પ દ્વારા ‘મતદાર જાગૃતિ’નો અનોખો સંદેશ
"તમારો મત, તમારી તાકાત" - જિલ્લાના તમામ મતદારોને અચૂક મતદાન કરવા વહીવટી તંત્રનું આહવાન
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.રર
લોકશાહીના મહાપર્વને ઉજાગર કરવા માટે પોરબંદરના દરિયાકિનારે કરવામાં આવેલ રેતી શિલ્પ દ્વારા ‘મતદાર જાગૃતિ’નો અનોખો અને પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં આ સર્જનાત્મક પહેલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. પોરબંદરની ચોપાટી ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન’ જીફછઁ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સેન્ડ આટિર્સ્ટ નથુભાઈ ગલચરે રેતીમાં અદ્ભુત શિલ્પ કંડારીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ શિલ્પ દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી હતી, જે દરેક માટે પ્રેરણાદાયક બની છે. જિલ્લા શિક્ષણાધિકારી અને જીફછઁ નોડલ ઓફિસર વિનોદ પરમારે જણાવ્યું હતું કે, મતદાન માત્ર અધિકાર નથી પરંતુ તે દેશ પ્રત્યેની ફરજ પણ છે. તેમણે પોરબંદરવાસીઓને આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીમાં પરિવાર સાથે જોડાઈ ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં મતદાન કરવા પણ તેમણે અપીલ કરી હતી. શ્રી વસનજી ખેરાજ પ્રાથમિક શાળાના બાળકો, આચાર્ય, શિક્ષકોએ પોરબંદરના દરિયા કિનારે બનેલા રેત શિલ્પને નિહાળેલ અને મતદાર જાગૃતિ સંદેશો પાઠવેલ. આવો, આપણે સૌ મળીને લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગ લઈએ અને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરીને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપીએ. પોરબંદરના મહત્વપૂર્ણ દરિયા કિનારે આખા રાજ્યમાં વિશિષ્ઠ એવું આ મતદાર જાગૃતિ સંદેશો આપતું રેત શિલ્પ તૈયાર કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી સ્વેપ ટીમના એસ એચ સોની, ડો જીગ્નેશભાઈ, જતીનભાઈ, મહેશભાઈએ જહેમત ઉઠાવેલ હતી.


