અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અભિનેત્રી ત્રિશા કૃષ્ણનના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ચેન્નાઈ,તા.૧૪:
દક્ષિણ ભારતીય ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી ત્રિશા કૃષ્ણન હાલમાં સતત સમાચારોમાં છે. એક તરફ થલાપતિ વિજય સાથેના તેના કથિત સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ તેના ચેન્નાઈ  સ્થિત ઘર પર બોમ્બ હોવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. સોમવારે સવારે અંદાજે ૯:૩૦ વાગ્યે, તમિલનાડુ પોલીસ ડીજીપી કંટ્રોલ રૂમને એક ઈમેલ મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીના ઘરમાં ખતરનાક વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. આ સમાચાર મળતા જ ટેનામ્પેટ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોની મદદથી અનેક કલાકો સુધી ત્રિશાના આખા ઘરની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસના અંતે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ધમકી એક બનાવટી કોલ હતો અને ઘરમાંથી કોઈ પણ શંકાસ્પદ સામગ્રી મળી નથી.