અહાન પાંડેની આગામી ફિલ્મમાં અન્યા સિંહની એન્ટ્રી, બોબી દેઓલ સહિતની સ્ટારકાસ્ટ સાથે બનશે એક્શન ડ્રામા
અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 26 માર્ચ 2027ના રોજ રિલીઝ કરવાની તૈયારી, ટાઈટલની જાહેરાત હજુ બાકી
મુંબઈ, તા.૧૮
અહાન પાંડેની આગામી ફિલ્મને લઈને નવી માહિતી સામે આવી છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ રોમેન્ટિક એક્શન ડ્રામામાં હવે અભિનેત્રી અન્યા સિંહની પણ મહત્વની ભૂમિકા જોવા મળશે. ફિલ્મનું અંતિમ ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ તેની સ્ટારકાસ્ટને લઈને મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે.
અલી અબ્બાસ ઝફર આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મમાં અહાન પાંડે સાથે અન્યા સિંહની જોડી જોવા મળશે. આ ઉપરાંત બોબી દેઓલ, જિમી શેરગિલ, ઐશ્વર્ય ઠાકરે અને દિપાનિતા શર્મા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.
અન્યા સિંહ માટે પણ આ પ્રોજેક્ટ ખાસ માનવામાં આવી રહ્યો છે. તેણે યશરાજ ફિલ્મ્સની ‘કૈદી બેન્ડ’થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને તાજેતરમાં તે આર્યન ખાનની વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. હવે ફરી એક મોટા બેનર સાથે જોડાતા તેની કારકિર્દીને વધુ મહત્વ મળવાની શક્યતા છે.
ફિલ્મની વાર્તા અને પાત્રો અંગે હજુ વધારે વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, આ પ્રોજેક્ટમાં રોમાન્સની સાથે એક્શન અને ડ્રામાનું મિશ્રણ જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં બોબી દેઓલની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ફિલ્મની કાસ્ટમાં ઐશ્વર્ય ઠાકરે બોબી દેઓલના પુત્રનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે દિપાનિતા શર્મા તેની પત્ની અને ઐશ્વર્યના પાત્રની માતાની ભૂમિકામાં જોવા મળશે. આ રીતે ફિલ્મમાં પરિવાર આધારિત સંબંધો સાથે એક્શન અને રોમાન્સને પણ જોડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મને 26 માર્ચ 2027ના રોજ સિનેમાઘરોમાં રજૂ કરવાની યોજના છે. જોકે, ફિલ્મનું સત્તાવાર નામ ક્યારે જાહેર થશે અને અહાન પાંડે તથા અન્યા સિંહની જોડી પડદા પર કેવો રંગ લાવે છે તે જોવાનું રસપ્રદ રહેશે.


