આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા નાગરિકોને રીસીપ્ટમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો
રાજકોટ તા.ર૧
રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં ‘૧૦૦ ટકા મતદાન‘ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ રચનાત્મક પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. ‘સ્વેપ‘(SVAP) પ્રવૃત્તિઓ અંતર્ગત નાગરિકોને મતદાનની પવિત્ર ફરજની યાદ અપાવવા માટે આધાર નોંધણી કેન્દ્રો અને જન સેવા કેન્દ્રો પર નવા આધાર કાર્ડ કઢાવવા અથવા વિગતો અપડેટ કરાવવા આવતા નાગરિકોને આપવામાં આવતી પહોંચ પર પણ ‘મારો મત મારો અધિકાર - ૨૬ એપ્રિલે મતદાન અચૂક કરીએ’ના ખાસ સંદેશ છાપવામાં આવી રહ્યા છે અને અરજદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના સક્રિય પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.


