પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજને વી.સી.આઈ.ની માન્યતા પ્રાપ્ત થઇ

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજને વી.સી.આઈ.ની માન્યતા પ્રાપ્ત થઇ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવસિર્ટી કાર્યરત છે. આ યુનિવસિર્ટી અંતર્ગત વેટરનરી, ફિશરીઝ અને ડેરી સાયન્સ કોલેજ અને પોલીટેકનીક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવે છે. તા.15-4-2026ના રોજ મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભલામણથી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજ ને શૈક્ષણિક વર્ષ 2026-27 થી 80 વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રવેશ અંગે વી.સી. આઈ.ની માન્યતા પ્રાપ્ત થયેલ છે. કુલપતિ ડો. પી.એચ. ટાંક, કામધેનુ યુનિવસિર્ટીનાં વડપણ હેઠળ માન્યતા પ્રાપ્ત કરવા અંગે પ્રયાસ કરવામાં આવેલ જેમાં સફળતા પ્રાપ્ત થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ તથા સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓ બી.વી. એસ. સી. એન્ડ એ.એચ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. હાલ વેટરનરી કોલેજ, ભુજ ખાતે પશુ સારવાર સંકુલ કાર્યરત છે. જેમાં વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન્સ મુજબ શૈક્ષણિક સંકુલ નિર્માણાધીન છે. જેનો લાભ વિદ્યાર્થીઓ અને પશુપાલકોને થશે. માન્યતા પ્રાપ્ત થતાં પશુપાલન ક્ષેત્રે રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ અને પશુપાલકોમાં હર્ષની લાગણી પ્રસરી છે. પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના ઈ.ચા. આચાર્ય ડો. એમ.ડી. ઓડેદરા અને તમામ સ્ટાફગણવતી વેટરનરી કોલેજ, ભુજને માન્યતા પ્રાપ્ત થતાં હર્ષની લાગણી વ્યક્ત કરેલ અને શુભેચ્છાઓ પાઠવી હતી.