ઉપરકોટમાં દીપડાના આંટાફેરાના ફુટેજ સીસીટીવી સામે આવ્યા : દીપડાને શોધી કાઢવા માટે ડ્રોનની મદદ લેવાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩
જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના કિલ્લામાં ગત રવિવારથી દીપડો જાેવા મળતા પ્રવાસી જનતા માટે કિલ્લામાં પ્રવેશબંધી રાખવામાં આવી છે. દીપડાને પકડવા માટેની વન વિભાગ દ્વારા કવાયતો હાથ ધરવામાં આવી છે પરંતુ ત્રણ-ત્રણ દિવસ સુધી દીપડો પકડાયો નથી. દરમ્યાન વન વિભાગે દીપડાની ભાળ મેળવવા માટે ડ્રોનની મદદ લઈ શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં છેલ્લા ચાર દિવસથી દીપડો ઘુસી ગયેલો છે અને હજુ સુધી પકડાયો નથી. દીપડાને પકડવા માટે વન વિભાગે એકના બદલે ત્રણ પાંજરાને મારણ નાખીને અલગ અલગ જગ્યાએ મુકયા છે પરંતુ દીપડો પાંજરા સુધી આવીને જતો રહે છે. દીપડાને પકડવા માટે પાંજરા સાથે માનવ બળનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહી દિવસભર ટ્રેકર ટીમ દ્વારા સતત કિલ્લામાં મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સીસીટીવીની મદદથી ખાસ નજર રાખવામાં આવી રહી છે છતાંયે છેલ્લા ર૪ કલાકથી દીપડો વન વિભાગની નજરમાં આવી રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસ ઉપરકોટ કિલ્લો પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી દીપડો પકડાશે નહી ત્યાં સુધી આમ જનતા માટે ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકવો કે કેમ તે પણ એક ગંભીર સવાલ સર્જાઈ રહ્યો છે. બે દિવસ સાતમ-આઠમના તહેવારો હોય અને આવા સમયે સામાન્ય દિવસોમાં ઉપરકોટ કિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે દીપડાની દહેશતથી માહોલ અલગ રહ્યો છે. ત્રણ દિવસથી દીપડો ન દેખાતા વન વિભાગ દ્વારા ડ્રોનની મદદ લીધી અને ડ્રોન ઉડાડીને આખાયે ઉપરકોટ કિલ્લામાં નજર કરવામાં આવી હતી. પરંતુ દીપડો ના તો સીસીટીવીમાં કેદ થયો કે ના તો ડ્રોન કેમેરામાં સામે આવી રહ્યો છે.
છેલ્લે તા.૩૦ને રવિવારે રાત્રે ઉપરકોટ કિલલાના મુખ્ય ગેટ પાસે દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થયાના દ્રશ્યો સામે આવ્યા છે અને રાતે એક શ્વાનનો શિકાર કર્યા પછી દીપડો વન વિભાગની નજરમાંથી જાણે ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.


