ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક : 291 શકમંદોની અટકાયત
(બ્યુરો) અમદાવાદ,તા.3:
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસ તંત્રએ સપાટો બોલાવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદ અને રાજકોટમાં મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી 291 શંકાસ્પદની અટકાયત કરી છે, જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે અને અન્ય 160 લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. જેમાં 131 બાંગ્લાદેશીઓની અલગ-અલગ વિસ્તારમાંથી અટકાયત કરીને તેમને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. જેમાં 291 લોકોની અટકાયત કરી હતી જેમાંથી 131 બાંગ્લાદેશીઓની પૂછપરછ પૂર્ણ કરાઈ છે. તો અન્ય 160 બાંગ્લાદેશીઓની હાલમાં પૂછપરછ ચાલુ છે. મોડી રાત્રે શરૂ થયેલી આ કડક કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસે તપાસ હાથધરી હતી અને ચેકિંગ કર્યુ હતુ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા આ ચેકિગની કામગીરી કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન અંતર્ગત કસ્ટડીમાં લેવાયેલા તમામ 100 શંકાસ્પદ લોકોને તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવ્યા છે. અહીં તેમની ઓળખ અને નાગરિકતાની ખાતરી કરવા માટે તેમના રહેઠાણના પુરાવા અને ઓળખપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. જે લોકો પાસે સત્તાવાર ભારતીય નાગરિકતાના માન્ય દસ્તાવેજો નહીં મળી આવે, તેમની સામે કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


