વેરાવળ નગરપાલીકાની આગામી ચૂંટણીમાં ટિકીટ કપાતા સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજ લાલઘુમ
આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ મતદાનનો નિર્ણય
ગીર સોમનાથ તા.૧પ
ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ નગરપાલીકાની આગામી ચૂંટણીને લઈને સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમુદાય ભાજપથી નારાજ થયેલ છે. ખાસ કરીને વેરાવળ નગરપાલીકાની આ ચૂંટણીમાં ટિકીટ કપાતા સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમુદાયમાં તિવ્ર આક્રોશ ફેલાયો છે અને જેના પડઘારૂપે તાજેતરમાં જ વેરાવળ-પાટણ-ભાલકા સમાજના હોદ્દેદારોની એક મહત્વની બેઠક મળી હતી અને ભાજપના અન્યાયનો જડબાતોડ જવાબ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
વેરાવળ-સોમનાથમાં સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજના ૪૦૦૦થી વધુ મતદારો છે. વેરાવળ નગરપાલીકામાં દર વખતે વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૧માં ભાજપ દ્વારા ટિકીટની ફાળવણી થતી હતી. પરંતુ આ વખતે માત્ર આ સમાજને વોર્ડ નં.૧માં ટિકીટ ફાળવી છે અને વોર્ડ નં.૮માં ટિકીટ કાપતા સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી પ્રગટી છે અને જેનો આવનારી ચૂંટણીમાં જવાબ આપવા માટે સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમુદાય સજ્જ બન્યો છે જેને લઈને ગીર સોમનાથ પંથકમાં ભારે ગરમાવો અને ખળભળાટ જાેવા મળી રહ્યો છે.


