ખંભાળિયા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ

ખંભાળિયા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ

જામ ખંભાળિયા તા.22
આગામી દિવસોમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થનાર છે, ત્યારે વરસાદી પાણીના કારણે નગરજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે નગરપાલિકાની નવનિયુક્ત સદસ્યોની બોડી દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના નદી, નાળા, વોંકળા અને ગટરોની સાફ-સફાઈની શરૂઆત અહીંના વોર્ડ નંબર ૨ માંથી કરવામાં આવી છે. જેમાં વરસાદી પાણીના નિકાલમાં નળતરરૂપ કચરો તેમજ જોખમી અને અવરોધ રૂપ વૃક્ષોની ડાળીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે માટે નગરપાલિકાના વોર્ડ નં. 2ના સદસ્ય રસિકભાઈ નકુમ, ઋષિરાજ ખેતિયા વિગેરેની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સેમીટેશન ઇન્સ્પેક્ટર સંજયભાઈ કરમુર, રાજપારભાઈ ગઢવી તેમજ તેમની ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવતા ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યાથી નગરજનોને મહદ અંશે રાહત બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વોર્ડમાં પણ આ રીતે પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પાલિકા સૂત્રો દ્વારા જણાવાયું છે.