દ્વારકાના રૂપેણ બંદર નજીક સીલ થયેલ હોટલમાં ચોરી પ્રકરણે આરોપીની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.22
દ્વારકાના રૂપેણ બંદર નજીક આશરે એક વર્ષ પહેલા સીલ કરાયેલ હોટલ સ્કાય કમ્ફર્ટમાં ચોરી અંગે ત્રણ દિવસ પહેલા દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હા પ્રકરણે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ડીવાય.એસ.પી. સાગર રાઠોડના જણાવ્યાનુસાર રૂપેણ બંદર નજીક આશરે એક વર્ષથી સીલ થયેલ હોટલ સ્કાય કમ્ફર્ટમાં પાછળનો દરવાજો તોડી સીલીંગ ફેન, એ.સી., ટીવી, કોમ્પ્યુટર એસેસરીઝ, વાયર્સ વિગેરે મળી રૂપિયા 4,04,500ની ચોરી અંગે ગત તા.18-05-2026 ના રોજ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ થયેલ પોલીસ ફરીયાદ અંગે દ્વારકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રૂપેણ બંદરના બશીર અબ્દુલા જુસબ પટેલીયા, જાવેદ સુલેમાન ઇબ્રાહીમ લુચાણી મુળ રૂપેણ, હાલ અંજાર, ઈમાનશા ઉર્ફે ઇમારાન ઉર્ફે ઈમલો મહંમદશા શેખ, અરમાનશા મહંમદશા ઈબ્રાહીમશા ફકીરબાબા અને કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ મોહનભાઈ હિન્ડોચા નામના શખ્સોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરાઈ છે. આ અંગે વધુ તપાસ દ્વારકા પી.આઈ. ચોપડા ચલાવી રહ્યા છે.


