ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, ઘરેલુ હિંસા અને માનસિક સતામણીના આક્ષેપ

ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ, મારપીટ અને હેરાનગતિ સહિતના આરોપો; પોલીસ તપાસ ચાલુ

ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, ઘરેલુ હિંસા અને માનસિક સતામણીના આક્ષેપ

મુંબઈ તા.03
લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અદિતિ શર્માએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને માનસિક સતામણીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અદિતિ શર્મા ‘રબ સે હૈ દુઆ’, ‘અપોલીના - સપનો કી ઊંચી ઉડાન’ અને ‘કલીરે’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પોતાના અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ તેના પતિ અને સાસરિયાના સભ્યો દ્વારા તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, અદિતિએ પતિ અને સાસરિયા પર મારપીટ કરવા, અપશબ્દો બોલવા, તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરવા તેમજ લગ્નના દાગીનાના ગેરઉપયોગ કરવાનો પ્રયાસ કરવાના આક્ષેપો કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આરોપોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસને આપેલા નિવેદનમાં અદિતિએ જણાવ્યું કે જૂન 2021માં એક ઓનલાઈન એક્ટિંગ ક્લાસ દરમિયાન તેની મુલાકાત અભિનીત સાથે થઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા પ્રેમસંબંધમાં બદલાઈ હતી. બંને પરિવારની સંમતિ બાદ 12 નવેમ્બર 2024ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા.
અદિતિએ વધુમાં જણાવ્યું કે લગ્ન પહેલાં સપ્ટેમ્બર 2024થી જ બંને મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. ત્યારબાદ લગ્ન બાદ સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
હાલમાં પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને તમામ સંબંધિત લોકોના નિવેદનો તથા અન્ય પુરાવાઓની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.