માંગરોળમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, આવારા કૂતરાઓ અને ફીશમીલથી ફેલાતી દૂર્ગંધથી જનજીવન જાેખમમાં

માંગરોળના હાર્દસમા તમામ રોડની પાલિકા તંત્રના વાંકે બદ્તર હાલત, સામાન્ય વરસાદમાં બંદર ઝાપા અને શિફારોડ કાદવમાં ફેરવાઈ જાય છે 

માંગરોળમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, આવારા કૂતરાઓ અને ફીશમીલથી ફેલાતી દૂર્ગંધથી જનજીવન જાેખમમાં

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.૧૮
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી રસ્તાઓની બિસ્માર હાલત, જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર અને આવારા કૂતરાઓના ત્રાસ સહિત અનેક પ્રાથમિક જનસમસ્યાઓ અંગે સ્થાનિક લોકોમાં ચિંતા અને નારાજગી જાેવા મળી રહી છે. શહેરમાં દાયકાઓથી નવા રસ્તાઓ બન્યા નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ બદથી બદતર થઈ જાય છે. આ ઉપરાંત જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને રાહદારીઓની અવરજવરમાં અડચણ ઊભી થતી હોવાની ફરિયાદો પણ અઢળક છે. આવારા કૂતરાઓના વધતા ત્રાસને કારણે પણ લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી જાેવા મળી રહી છે. માંગરોળમાં આટલી આપદાઓ ઓછી પડતી હતી ત્યાં શહેરના કેટલાક વિસ્તારોમાં ફીશમીલમાંથી આવતી તીવ્ર દુર્ગંધને લઈને પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના દૈનિક જીવન ઉપર અસર પડે છે.
શહેરના તમામ મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમા જાેવા મળે છે. અહી છેલ્લા એક દોઢ દાયકાથી ગટર યોજનાના બહાના હેઠળ રસ્તાઓ બનાવવામાં આવતા નથી. છેલ્લા પંદર વર્ષથી ગટર યોજનાના લોલીપોપ વચ્ચે ફક્ત પેચવર્કના નામે ડામરની પોપડીઓ ચડાવવાથી વિશેષ કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેના કારણે શહેરના તમામ રસ્તાઓ જેમા ખાસ કરીને માંગરોળનો હાર્દસમા શિફારોડ, કોઠલીયા રોડ અને બંદર ઝાપા વિસ્તારના રોડ ખસતાહાલ જાેવા મળી રહ્યા છે. આ રોડ ઉપર મોસમોટા ખાડાઓ અને વહેણો પડી ગયા છે. જેમા સામાન્ય વરસાદમાં તળાવની જેમ પાણી ભરાઈ જાય છે. જેના કારણે રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
કેટલીક વાર ખાડામાં પડી જવાથી નાના મોટા અકસ્માતો પણ બને છે. દર વર્ષે સ્થાનિકોની અનેક રાહફરીયાદો સામે પણ તંત્રએ કોઈ તકેદારી લીધી નથી. શિફા રોડ પર શહેરની મલ્ટીનેશન શિફા હોસ્પિટલ આવેલી છે. અહીથી દરરોજ અનેક ગંભીર બિમારીઓથી પીડીત દર્દીઓ અને એમ્બ્યુલન્સની રાતદિવસ અવરજવર રહે છે. તદુપરાંત સોપાન, આલ્ફા અને લાલબાગ સહિતની અનેક પ્રાયમરી સ્કૂલો, મોટા મદ્રેસા પણ આ રોડ પર આવેલા છે. આ તમામ સ્કૂલો અને મદ્રેસાઓમ અભ્યાસ કરતા હજારો બાળકો અને વિદ્યાર્થીઓ શિફારોડ પરથી પસાર થાય છે. મસમોટા ગાબડાઓ અને નદીની જેમ વહેતા પૂરમાં નાના બાળકોનુ અભ્યાસ અર્થ પસાર થવું જાેખમી બની રહ્યું છે. તંત્રનો વધારે કાન આમળવામા આવે તો વોકયુમ મશીનથી ખાડાઓનું પાણી ખેંચીને સંતોષ માની લેવાય છે અને દર વર્ષે કાકરી કપચીના ટેલરો નાખી બીલો બનાવાય છે. જે ગટર યોજનાના બહાને રસ્તાઓ બનાવવામાં આવતા નથી તેનું આજે પંદર વર્ષ પછી પણ કાઈ ઠેકાણું નથી.
એવી જ રીતે શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો અને આવારા કૂતરાઓની સંખ્યામાં અચાનક બેફામ વધારો થયો છે. જાહેર માર્ગો પર ગમે ત્યારે બાખડી પડતાં ખૂટીયાઓ અનેકના જીવ જાેખમમાં મુકે છે. તાજેતરમાં જ બારા વિસ્તારમાં ખૂટીયાએ એક મહીલાનો જીવ લિધો હતો. તેવી રીતે શહેરમાં આવારા કૂતરાઓ દરરોજના સરેરાશ આઠથી દસ લોકોને બચકા ભરે છે. હાલમાં જ ગુલમહોર સોસાયટીમા એક સાથે ચૌદ લોકોને કૂતરાએ બચકા ભર્યા હતા. માંગરોળ સરકારી હોસ્પિટલમાં દર મહિને ૨૫૦ થી વધુ લોકોને કૂતરા કરડવાના કેશ નોંધાય છે.
માંગરોળજનો માટે આટલી યાતનાઓ ઓછી પડતી હતી ત્યાં બારા રોડ ચાલતી ફીશમીલ કંપનીઓ માથાનો દુખાવો બની છે. જેમાથી ઉદ્ભવતી દૂર્ગંધથી શહેરનો એક બહોળો રહેણાંક વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે. ફીશમીલની દૂર્ગંધથી બાળકોને નિશાળ ભળવાનું અને લોકોને પોતાના ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું. આ વિશે પણ અઢળક ફરીયાદો છતા નિતિ નિયમો નેવે મુકીને ચાલતી ફીશમીલ કંપનીઓ પર કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.  આવી પ્રકારની સમસ્યાઓએ વચ્ચે માંગરોળની જનતા પીસાઈ રહી છે. લોકોનાં જીવ સાથે જાણે રમત રમાઈ રહી છે !. સ્થાનિક લોકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા શહેરના બિસ્માર રસ્તાઓનું સર્વેક્ષણ કરી તાત્કાલિક નવા રસ્તાઓ બનાવવામાં આવે, રખડતા ઢોર અને આવારા કૂતરાઓના પ્રશ્ને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેમજ ફીશમીલમાંથી આવતી દુર્ગંધ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે. માંગરોળના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ મળે તે માટે નગરપાલિકા અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા સંકલિત રીતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાગ ઉઠી છે.