ભેંસાણ તાલુકાના ઉમરાળી નજીક ફાર્મ હાઉસ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો - રૂા.૧.રર કરોડનો દારૂ-બીયર ઝડપાયો

ભેંસાણ તાલુકાના ઉમરાળી નજીક ફાર્મ હાઉસ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો - રૂા.૧.રર કરોડનો દારૂ-બીયર ઝડપાયો
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૮
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉમરાળી ગામે દરોડો પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો કન્ટેનર અને વાહનો સાથેનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરથી મળેલી ખાસ સૂચનાના આધારે કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસતંત્રની અસમર્થતા અને શંકાસ્પદ ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસ જેના પર નજર રાખવામાં નિષ્ફળ રહી છે, ત્યાં SMCએ સીધા દરોડા પાડીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એસ.વી. ગળચર અને તેમની ટીમે ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે આવેલા પ્રકાશ ધુશાભાઇ ખુમાણના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન ફાર્મ હાઉસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે ૧૦૧૫ પેટીઓ તેમજ ૨૬,૫૧૯ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂા. ૧,૨૨,૨૦,૯૬૭ થાય છે. આ ઉપરાંત પોલીસે ૩ વાહનો અને ૩ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૧,૫૩,૪૭,૪૬૭ નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર પ્રકરણમાં ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ પ્રકાશ ધુશાભાઇ ખુમાન અને જયવિર ધુશાભાઇ ખુમાણ (બંને રહે. ઉમરાળી)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જેતપુરના રવિરાજ દાનભાઇ ખાચર, જયેન્દ્ર જીલુભાઇ બસીયા, શન્ની, ગાંધીધામના શિવરાજસિંહ શેખાવત, ભેંસાણના રવિરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ, પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ, મિત બાવાજી, ગુંદાળીના રાહુલ વાળા તેમજ વાહનોના માલિકો અને ચાલકો સહિત ૫ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલના કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહએ ભેંસાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.જી.ચેતરીયા ચલાવી રહયા છે.
રાજ્યભરમાં દારૂની આટલી મોટી હેરાફેરી અને રેલમછેલ ક્યાં સુધી ચાલતી રહેશે તે અંગે હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ભેંસાણ પોલીસના નાકની નીચે જ આટલો મોટો દારૂનો જથ્થો ઉતારી દેવામાં આવ્યો છતાં પણ સ્થાનિક પોલીસને તેની ભનક પણ ન આવી, જેને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે. SMCના આ સપાટા બાદ સમગ્ર જૂનાગઢ જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.