મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળાના જાગૃતીબેન હરિયાણી તાલુકાના ‘શ્રેષ્ઠ શિક્ષિકા’ તરીકે સન્માનિત
‘માતૃભાષા મેળા’ સહિતની નવતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ મળ્યું સન્માન; રૂ.૫,૦૦૦ની પુરસ્કાર રકમ શાળાના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે કરી સમર્પિત
જૂનાગઢ, તા.૦૭
વિસાવદર તાલુકાની મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા જાગૃતીબેન સુરેશભાઈ હરિયાણીનું શિક્ષક દિન નિમિત્તે તાલુકા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષિકા’ તરીકે સન્માન કરવામાં આવ્યું છે. શિક્ષણક્ષેત્રે નવતર પ્રયોગો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ બદલ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે. જાગૃતીબેન સાવરકુંડલાના કથાકાર સંત સુરેશબાપુ હરિયાણીના સુપુત્રી છે.
જાગૃતીબેન હરિયાણીએ વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે રસ અને ગૌરવ વધે તે માટે ‘માતૃભાષા મેળા’નું આયોજન કરીને નવતર શૈક્ષણિક પ્રયોગ કર્યો હતો. વિવિધ રમતો અને પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને માતૃભાષાનું શિક્ષણ રસપ્રદ રીતે આપવામાં આવે છે.
માતૃભાષાની સાથે અંગ્રેજી અને સંસ્કૃત જેવી ભાષાઓનું શિક્ષણ પણ બાળકો માટે સરળ અને રસપ્રદ બને તે માટે વિવિધ શૈક્ષણિક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની આવી વિવિધ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળાના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી પણ રજૂ કરવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે તાલુકા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષિકા’ સન્માન સાથે જાગૃતીબેનને મળેલી રૂ.૫,૦૦૦ની પુરસ્કાર રકમ તેમણે પોતાની શાળાના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સમર્પિત કરી છે.
જાગૃતીબેન હરિયાણીને મળેલા આ સન્માન અને શિક્ષણક્ષેત્રે તેમના યોગદાન બદલ ગ્રામજનો, શિક્ષણ જગત અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


