“માફ કરજાે વડાપ્રધાન અંબાણીજી ! તમે જ દેશના અસલી માલિક છો” : એલન મસ્કનો કટાક્ષ
વોશિંગ્ટન તા.૧૦
સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીને લઈને કંપનીના માલિક ઈલોન મસ્કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પર કટાક્ષ કર્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પર ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી’ લખતાં કહ્યું કે તેમને આ અંદાજ નહોતો કે ભારતમાં તેમનો આટલો પ્રભાવ છે.
મસ્કે કહ્યું કે ભારતીય બજારમાં સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને પણ પ્રવેશવાની મંજૂરી મળવી જોઈએ. તેમનું માનવું છે કે સ્પેક્ટ્રમની ફાળવણી એવી રીતે થવી જોઈએ કે માત્ર એક જ કંપનીનું વર્ચસ્વ ન રહે અને અન્ય કંપનીઓને પણ વ્યવસાયમાં સમાન તક મળે.
મસ્કની સંપૂર્ણ પોસ્ટ આ મુજબ છે - આદરણીય પ્રધાનમંત્રી અંબાણીજી, કૃપા કરીને ભારતના અસલી માલિક તમે જ છો એ ન સમજી શકવાની મારી ભૂલને માફ કરશો. દેખીતી રીતે, તમે ભારતના મહાન લોકો વચ્ચે પોતાનો એકાધિકાર અને લાભ જાળવી રાખવા માંગશો, પરંતુ તેમ છતાં શું તમે ‘સ્ટારલિંક’ને ભારતમાં સ્પર્ધા કરવાની મંજૂરી આપવા પર વિચાર કરશો?
ભારતમાં એવા ઘણા વિસ્તારો છે, જેમ કે દુનિયાના દરેક દેશમાં હોય છે, જ્યાં ઇન્ટરનેટની પહોંચ નથી. આ કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને નાના વેપારીઓને પોતાનો સામાન વિશ્વભરના બજારમાં વેચવાની તક મળી શકતી નથી. સ્ટારલિંક તેમના જીવનને વધુ સારું બનાવી શકે છે.


