રશિયા - યુક્રેન ઐતિહાસીક સમજૂતીની નજીક અબુધાબીમાં યોજાઈ રહેલી મંત્રણા
(એજન્સી) અબુધાબી, તા. ૬
અબુ ધાબીમાં અમેરિકાના મધ્યસ્થી હેઠળ રશિયા - યુક્રેન વચ્ચે ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ શાંતિ વાટાઘાટો હવે એક નિર્ણાયક તબકકા પર પહોંચી ગઈ છે. ટ્રમ્પના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને યુદ્ધ વિરામ તરફ આગળ વધવા માટે એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે આગામી દિવસોમાં ૩૧૪ યુદ્ધકેદીઓની અદલાબદલી કરવામાં આવશે. છેલ્લા પાંચ મહિનામાં આ પ્રથમ મોટી સફળતા માનવામાં આવી રહી છે, જે આ ભયાનક જંગના અંતની શરૂઆત હોઈ શકે છે. આ બેઠકમાં માત્ર કેદીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ગેરંટી અને ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ મંથન ચાલી રહ્યું છે.
જાેકે, આ શાંતિ પ્રયાસો વચ્ચે પણ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીનું વલણ કડક જાેવા મળી રહ્યું છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ રશિયાને કોઈ પણ પ્રકારનો ‘પુરસ્કાર‘ (જમીન કે છૂટછાટના રૂપમાં) આપવાના પક્ષમાં નથી. એક તરફ ટેબલ પર શાંતિની ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ બંને દેશો દ્વારા એકબીજા પર ભીષણ ડ્રોન હુમલા પણ ચાલુ છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ જટિલ પરિસ્થિતિમાં સંયમ રાખવાની અપીલ કરી છે. જેલેન્સ્કીની આ નારાજગી પાછળનું મુખ્ય કારણ રશિયાની આકરી શરતો હોવાનું મનાય છે, જે યુક્રેનની સાર્વભૌમત સાથે જાેડાયેલી છે. વાટાઘાટોમાં પાંચ મુખ્ય શરતો પર સમજૂતી થવાની શક્યતા છે.


