મહાશિવરાત્રીના મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા હતા

ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી હજારો શિવભક્તો ભવનાથ મહાદેવ દાદાના દર્શને આવ્યા : બે કિલોમીટર લાંબી વાહનોની કતારો થતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરાયું હતું.

જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળા ના ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનાર દરવાજા-ભરડા વાવથી ભવનાથ મંદિર સુધી સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ ભગવાન ભોળાનાથ મહાદેવની આરાધનાના થીમ પર શણગારવામાં આવતા આજે હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા હતા.
શહેરીજનોએ મહાશિવરાત્રીના મેળા ના પ્રારંભની પૂર્વ સંધ્યા એ ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી મોટી સંખ્યામાં શહેરીજનો ભવનાથ મહાદેવના દર્શને આવતા તેમ જ રસ્તામાં શિવ આરાધના આધારિત પેઇન્ટિંગ અને અન્ય સુશોભનો આકર્ષણનું કેન્દ્ર બનતા શહેરીજનોએ રાજ્ય સરકારના આ વિશેષ આયોજનને આવકાર્યું હતું .ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની જેમ જ સમગ્ર ભવનાથને શણગારવામાં આવતા શહેરીજનોએ સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન મહાશિવરાત્રીના મેળા ના વિશેષ આયોજનને આવકારી ધન્યતા અનુભવી હતી.
જુનાગઢ શહેરની પોલીસે બે કિલોમીટર લાંબી વાહનોની કતારો છતાં ટ્રાફિક મેનેજમેન્ટ કરીને મહાશિવરાત્રીના મેળામાં લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું . આગામી દિવસોમાં 10 થી 12 લાખ ભાવિકો સારી રીતે મેળો માણી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ અને આખરી ઓપ આપવામાં આવ્યો છે .
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસપી સુબોધ ઓડેદરાએ વિવિધ સમિતિ તેમજ સુરક્ષા અને સલામતી વ્યવસ્થા ફરજમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓને કર્મચારીઓને લાખો લોકોના વ્યવસ્થાપન માટે આજે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને આજે ભારે ટ્રાફિક છતા લોકો સારી રીતે ભવનાથ મહાદેવના દર્શન કરી શક્યા તે અંગે મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ ટીમ જૂનાગઢના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.