યુધ્ધની અસર : ગુજરાતમાં ગેસ કટોકટી સર્જાશે : ભાવ વધારો ઝીંકાશે
ગુજરાતની સૌથી મોટી ગુજરાત ગેસ કંપનીએ નોટીસ જારી કરી : પુરવઠા મુજબ સપ્લાય થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૫ :
ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય આક્રમણથી ખાડીના દેશો પણ વોરઝોન બનતા જ ભારતની સૌથી મોટી ચિંતા ક્રુડતેલ અને એલએનજી સહિતની ગેસની સપ્લાયની બની છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડતેલ અને ગેસના ભાવ વધ્યા છે. શીપીંગ અને વિમા ખર્ચ પણ વધ્યા છે જેથી દેશમાં ગેસનો ભાવવધારો આવી શકે છે.
બીજી તરફ દેશની એલએનજીનો સૌથી વધુ ૪૦% પુરવઠો પુરો પાડતા કતરનું દુનિયાનું સૌથી મોટુ ગેસ ઉત્પાદન એકમ બંધ થતા ભારતને અહીથી મળતો પુરવઠો પુર્ણ રીતે બંધ થયો છે. જેના કારણે દેશમાં ઔદ્યોગીકથી ઘરેલુ વપરાશના ગેસની મોટી તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં ઔદ્યોગીક અને ઘરેલુ ગેસના સૌથી મોટા સપ્લાયર ગુજરાત ગેસ દ્વારા હવે ગેસની સપ્લાયમાં ફોર્સ મેન્યોર એટલે કે કાનુની રીતે જોઈએ તો આવતીની નોટીસ ફટકારી છે. જેનો અર્થ એ છે કે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેમાં તા.૬ માર્ચથી ઉપલબ્ધતા મુજબ સપ્લાય કરવામાં આવશે.


