રૂા.ર૦૦૦થી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગુ થતાં યુપીઆઈ વ્યવહારોમાં ભારે ઘટાડો થશે
નવી દિલ્હી તા, ૬
૧૫ ઓક્ટોબરથી રૂા.૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો (P2M - વેપારીઓને કરાતા ચૂકવણા) પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગું કરવાનાં પ્રસ્તાવને કારણે યુપીઆઈ વપરાશમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
‘લોકલસર્કલ‘ના તાજેતરના સર્વેક્ષણ મુજબ, જો વેપારીઓ આ વધારાનો ચાર્જ ગ્રાહકો પર નાખશે, તો માસિક UPI વ્યવહારોના કુલ મૂલ્યમાં ૧૦ ટકા અને તેના વોલ્યુમમાં ૪ ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.
સર્વેમાં સામે આવ્યું છે કે, જો વેપારીઓ MDR ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવાનું શરૂ કરશે, તો માત્ર ૧૪ ટકા ગ્રાહકો જ રૂા.૨,૦૦૦ થી વધુની રકમ માટે UPIનો ઉપયોગ ચાલું રાખશે.
બાકીનાં ૭૬ ટકા ગ્રાહકો મોટો ખર્ચ કરવા માટે ક્રેડિટ કાર્ડ (૨૬ ટકા), રોકડ (૨૭ ટકા), ડેબિટ કાર્ડ (૧૪ ટકા) અથવા બેંક ટ્રાન્સફર જેવા અન્ય વિકલ્પો પર શિફ્ટ થઈ જશે. આ સર્વેમાં દેશના ૨૯૧ જિલ્લાઓમાંથી ૬૭,૦૦૦ થી વધુ યુપીઆઈ વપરાશકર્તાઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
બીજી તરફ, વેપારીઓ પણ આ નવો ચાર્જ પોતાની પોકેટમાંથી ચૂકવવા માટે તૈયાર નથી. ઓગસ્ટ મહિનામાં કરાયેલા સર્વે મુજબ, ૪૧ ટકા વેપારીઓએ રૂા.૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો પર કોઈ પણ પ્રકારનો MDR ચાર્જ ભોગવવાની સ્પષ્ટ ના પાડી હતી.
માત્ર ૧૭ ટકા વેપારીઓ જ ૦.૪ ટકા MDR ચાર્જ સહન કરવા સંમત થયા હતા. નોંધનીય છે કે ઓગસ્ટ ૨૦૨૬માં યુપીઆઈ દ્વારા થયેલા કુલ વેપારી વ્યવહારોમાંથી ૬૭ ટકા હિસ્સો રૂા.૨,૦૦૦ થી વધુ મૂલ્યના પેમેન્ટ્સનો હતો.


