વિડીયોગ્રાફીની મનાઈ કરતા મનપાનાં જનરલ બોર્ડનો મીડિયા દ્વારા બહિષ્કાર અને વિપક્ષનો વોકઆઉટ

વિડીયોગ્રાફીની મનાઈ કરતા મનપાનાં જનરલ બોર્ડનો મીડિયા દ્વારા બહિષ્કાર અને વિપક્ષનો વોકઆઉટ

જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની બેઠકમાં આજે શરૂઆતમાં જ ભારે ધમાલ થવા પામી હતી. ખાસ કરીને બોર્ડનું કવરેજ કરવા અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ કરવામાં આવતા મીડિયાએ બહિષ્કાર કર્યો હતો અને આ સાથે જ વિપક્ષ દ્વારા પણ વોકઆઉટ કરવામાં આવતા ભારે હલચલ મચી જવા પામી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની આજે મહત્વની બેઠક યોજવામાં આવી હતી આ દરમ્યાન શાસક પક્ષ તરફથી જારી કરવામાં આવેલ એજન્ડા ઉપર કામગીરી કરવા અને ઠરાવ પાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય આ સાથે જ મનપાનાં વિરોધપક્ષનાં નેતા લલિત પણસારા અને વિપક્ષનાં કોર્પોરેટરો દ્વારા જૂનાગઢ શહેરનાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો રસ્તા, વિકાસની કામગીરી અધુરા રહેલા કામો, ગટર વ્યવસ્થા તેમજ ભવિષ્યમાં જળસંકટ આવી પડે તો તેમનો સામનો કરવા માટેની તૈયારી માટેના અનેકવિધ પ્રશ્નો સાથે શાસક પક્ષને પ્રજાહીતનાં કાર્યો માટે આડેહાથ લેવા માટે અસરકારક રજુઆત માટેનો તખ્તો ગોઠવાયો હતો.
દરમ્યાન બોર્ડની બેઠકની કાર્યવાહી દરમ્યાન જ વિડીયોગ્રાફી તેમજ કવરેજ કરવા બાબતે મનાઈ કરવામાં આવી દેતા મીડિયએ બોર્ડનો બહિષ્કાર કર્યો હતો તેમજ  વિપક્ષે પણ વોકઆઉટ કરતા ભારે હલચલ મચી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા જયારે પણ બોર્ડની બેઠક મળવાની હોય ત્યારે કવરેજ માટે મીડીયાને નિમંત્રણ આપવામાં આવે છે અને મીડિયા ઉપસ્થિત પણ રહે છે પરંતુ એક તરફ આમંત્રણ અને ત્યારબાદ વિડીયોગ્રાફી અને કવરેજ માટેની મનાઈ આજે કરવામાં આવતા મીડિયાએ તેનો બહિષ્કાર કરતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી.