ગિરનારમાં આવતા યાત્રાળુઓનાં એન્ટ્રી-એકઝીટ ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો : લોકોને હાલાકી

ગિરનારમાં આવતા યાત્રાળુઓનાં એન્ટ્રી-એકઝીટ ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો : લોકોને હાલાકી

જૂનાગઢ તા.18
ગરવા ગિરનાર પર્વત પર તાજેતરમાં બનેલી દુ:ખદ્ ઘટનાને લઈને જીલ્લા વહીવટી તંત્રએ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું જાહેર કર્યું હતું. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ ગિરનાર વન્ય જીવ અભ્યારણ્ય વિસ્તારમાં અવર-જવર કરતા યાત્રાળુ માટે એન્ટ્રી અને એકઝીટ ઓનલાઈન રજીસ્ટ્રેશન વ્યવસ્થા પ્રાયોગીક ધોરણે આજથી અમલમાં મુકવામાં આવવા અંગેની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. આ વ્યવસ્થા અન્વયે નવી સીડી, જુની સીડી કે રોપ-વે માર્ગે ગિરનાર પર્વત પર જતા તમામ યાત્રાળુઓએ સ્થળ પર મુકેલા કયુઆર કોડ સ્કેન કરીને અથવા જે-તે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું તેમજ પરત ફરતી વખતે પણ એકઝીટ એન્ટ્રી કરાવવી ફરજીયાત બનાવવામાં આવેલ હોવાનું જાહેર કરતા આજે જેની પ્રથમ દિવસે જ અમલવારી કરવામાં આવશે તેવું દર્શાવેલ હતું પરંતુ આજે આ સીસ્ટમનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો છે. ખાસ કરીને પૂર્ણ આયોજન કર્યા વિના આગોતરી જાહેરાત કરી દેવામાં આવી હતી પરંતુ તે અંગેની સીસ્ટમ આજના દિવસે એટલે કે પ્રથમ દિવસે કાર્યરત થઈ નથી અને જેને લઈને અહીં આવનારા યાત્રાળુઓ અને ભાવિકોને ભારે હાલાકી પડી હતી. તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગિરનાર ક્ષેત્રમાં યાત્રાળુઓનો પ્રવાહ સતત રહેવાનો છે ત્યારે એન્ટ્રી તેમજ એકઝીટ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા તત્કાલ કાર્યરત કરવાની માંગણી ઉઠવા પામી છે.