કુખ્યાત રવની ગેંગની ગેરકાયદેસર વસાવેલી રૂા. 2.96 કરોડની મિલ્કતો જપ્ત
ખેતીની 123 વિઘા જમીન, ફીકસ ડીપોઝીટ અને વાહનો ટાંચમાં લેવામાં આવ્યા
જૂનાગઢ તા. 18
કુખ્યાત રવની ગેંગનાં 7 સભ્યો સામે પોલીસે 2024માં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. અને તેની સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે તેમનાં દ્વારા અને તેમજ તેમનાં પરીવારનાં નામે ગેરકાયદેસર વસાવેલી જંગમ અને સ્થાવર મિલ્કતો ટાંચમાં લેવા સુધીનાં કડક પગલા ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. અને કુલ રૂા. 2,96,48,167ની મિલ્કતો ટાંચમાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદ ડીવીઝનનાં ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે વંથલીનાં રવનીની કુખ્યાત ગેંગ સામે વર્ષ ર૦ર૪માં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને બાદમાં વધુ તપાસ કરીને તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે આરોપીઓએ તેમના નામે અથવા તેમના પરીવારના સભ્યોનાં નામે ગેરકાયદેસર વસાવેલી સ્થાવર અને જંગમ મિલ્કતોની તપાસ કરીને ખેતીની જમીન, તથા ફીકસ ડીપોઝીટ અને વાહનો વગેરે ટાંચમાં લેવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે મંજુર થતા ગઈકાલે કાર્યવાહી કરીને તમામ મિલ્કતો જપ્ત કરવામાં આવી છે. જેમાં રહીમ ઉર્ફે ખુરી ઈસ્માઈલ ઉર્ફે ઈસા સાંધ, ઈમ્તીયાઝ ઉર્ફે પોલો ઈસ્માઈલ સાંધ, હુશેન અલારખા સાંધ, ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયા, અમીન ઈસ્માઈલ સાંધ, હનીફ ઉર્ફે હનો ઈસ્માઈલ સાંધ, બોદુ અબુ પલેજા દ્વારા તેમના નામે અને તેમનાં પરીવારના માતા, પત્ની, ભાઈઓના નામે ગેરકાયદેસર વસાવેલી મિલ્કતોમાં રૂા. 2,37,51,300ની 123 વિઘા ખેતીની જમીન, બેંકમાં રૂા. 27,51,000ની ફીકસ ડીપોઝીટ અને રૂા. 31,45,867ની કિંમતનાં પાંચ વાહનો જેમાં એક જેસીબી, એક બુલેટ મળીને પાંચ વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.


