શંકરસિંહ વાઘેલાની ગુજરાત કોંગ્રેસમાં ઘરવાપસીના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી
(બ્યુરો) અમદાવાદ તા.૩૦
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને એક સમયના ભાજપના વરિષ્ઠ નેતા તથા બાદમાં કોંગ્રેસ અને એનસીપી સહિત તથા પોતાના જ પ્રાદેશિક પક્ષની રચના કરીને રાજકારણમાં મહત્વ બનાવી રાખનાર શંકરસિંહ વાઘેલાએ હવે ફરી એક વખત કોંગ્રેસમાં જોડાવાનો ર્નિણય લેતા જ તેના રાજકીય પ્રત્યાઘાતો શું પડશે તે અંગે ચર્ચા ચાલુ થઈ ગઈ છે. શંકરસિંહ વાઘેલાએ એક મુલાકાતમાં જણાવ્યું કે રાજયમાંથી ભાજપની સરકારને હાંકી કાઢવા હું કોંગ્રેસમાં જોડાવા તૈયાર છું અને તેઓએ આ અંગે કોંગ્રેસમાં ગુજરાતના ઈન્ચાર્જ રણદીપસિંહ સુરજેવાલા સાથે વાતચીત પણ કરી છે અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડા, ભરતસિંહ સોલંકીને પણ જાણ કરી છે પરંતુ રાહુલ ગાંધીને મળ્યા બાદ તેઓ આખરી ર્નિણય લેશે. એક તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી યોજાઈ રહી છે અને તા.૧૧ ઓકટોબરના રોજ મતદાન છે ત્યારે શંકરસિંહની કોંગ્રેસ વાપસી કેટલી મહત્વની સાબીત થશે તેવી પણ ચર્ચા શરુ થઈ છે.


