ઉના પોલીસ સ્ટેશન સામે આવેલ ધ્રુવ કોમ્પ્લેક્સનું બાંધકામ જર્જરિત

ઉના પોલીસ સ્ટેશન સામે આવેલ ધ્રુવ કોમ્પ્લેક્સનું બાંધકામ જર્જરિત

(નિરવ ગઢીયા દ્વારા) ઉના તા.૧
ગીર સોમનાથના ઉના શહેરમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા ધ્રુવ કોમ્પ્લેક્સના બાંધકામની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં બીમ સહિત અનેક જગ્યાએ તિરાડો જોવા મળતા બાંધકામ જર્જરિત હોવાની સ્થિતિ સામે આવી રહી છે. સાથે જ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ વિસ્તારમાં ગંદકી જોવા મળતા સ્વચ્છતા અને જાળવણી વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠયા છે. ધ્રુવ કોમ્પ્લેક્સમાં વિવિધ ભાગોમાં તિરાડો જોવા મળતી હોવાના કારણે બિલ્ડિંગની માળખાકીય મજબૂતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.  પોલીસ સ્ટેશનની સામે જ આવેલા આ કોમ્પ્લેક્સમાં લોકોની અવરજવર રહે છે. તેમ છતાં બિલ્ડિંગની જાળવણી અને સલામતી અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં ગંદકી જોવા મળતા સ્વચ્છતા વ્યવસ્થા પણ કથળેલી જોવા મળી રહી છે. એક તરફ બાંધકામના અનેક ભાગોમાં તિરાડો અને બીજી તરફ ગંદકી વચ્ચે લોકોનો સવાલ છે કે આ સમગ્ર સ્થિતિ શું તંત્રના ધ્યાને નથી આવતી ? જો બાંધકામ ખરેખર જર્જરિત સ્થિતિમાં હોય તો કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ અને જરૂરી તકનીકી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.