ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની થીમ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની બે દિવસીય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧
ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે ફાર્માએક્સેલ ક્લબ દ્વારા તા.૨૪ અને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ફાર્માફેસ્ટ-૨૦૨૬નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (એએમઆર) ને કેન્દ્રમાં રાખીને આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં એન્ટિમાઇક્રોબિયલ દવાઓના યોગ્ય અને જવાબદાર ઉપયોગ તેમજ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવા વૈશ્વિક આરોગ્ય પડકાર અંગે જાગૃતિ કેળવવાનો હતો. ફાર્માફેસ્ટ-૨૦૨૬માં કુલ ૧૭૦ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, નવીન વિચારસરણી, ટેક્નોલોજીનો ઉપયોગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવા પિચ એરેના, ક્વિઝ સ્પર્ધા, ક્રિએટ યોર ઓન આર્ટ, રંગોળી મેકિંગ, છૈં વીડિયો/રીલ મેકિંગ અને ફૂડ મેનિયા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સાથે તર્કશક્તિ, સંવાદ કૌશલ્ય, ટીમવર્ક અને નવીન વિચારસરણી જેવા કૌશલ્યો વિકસાવવાની તક મળી હતી. એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની થીમ સાથે યોજાયેલા આ ફેસ્ટિવલ દ્વારા ભાવિ ફાર્માસિસ્ટ તરીકે વિદ્યાર્થીઓની વ્યાવસાયિક જવાબદારી તેમજ એન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના નિવારણમાં ફાર્માસિસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ ડો. સુભાષ યુનિવસિર્ટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા અને પ્રોવોસ્ટ ડો. દીપક પટેલે દ્વારા ફાર્માએક્સેલ ક્લબ તથા ફાર્મસી વિભાગના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી અને જણાવ્યું કે ફાર્માફેસ્ટ-૨૦૨૬ દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીને માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રાખતા, વિદ્યાર્થીઓના જ્ઞાન, સર્જનાત્મકતા, કૌશલ્ય અને વ્યાવસાયિક જવાબદારીને એક મંચ પર લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.


