કેશોદને વધુ એક મહત્વપૂર્ણ રેલવે ભેટ : વેરાવળ હરિદ્વાર ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપની મંજૂરી, મુસાફરોમાં ખુશીની લહેર

કેશોદને વધુ એક મહત્વપૂર્ણ રેલવે ભેટ : વેરાવળ હરિદ્વાર ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપની મંજૂરી, મુસાફરોમાં ખુશીની લહેર

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.ર૪
કેશોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો મુસાફરો અને શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગણીને સ્વીકારીને રેલવે તંત્ર દ્વારા વેરાવળથી હરિદ્વાર જતી ટ્રેનને કેશોદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવાની મંજૂરી આપવામાં આવી છે આ ર્નિણયથી સમગ્ર કેશોદ પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ મહત્વપૂર્ણ ર્નિણય માટે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ ડો. મનસુખ માંડવીયાનો સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિક્ષાબેન કેયુરભાઈ દેવળીયાએ મુસાફરોની જરૂરિયાતોને ધ્યાને રાખીને ટ્રેનના સ્ટોપ અંગે રેલવે તંત્ર સમક્ષ વિશેષ રજૂઆત કરી હતી.  તેમની રજૂઆત અને સતત અનુસરણને ધ્યાને લઈ રેલવે વિભાગે આ માંગણીને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ અને આસપાસના ગામડાઓમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર, ઋષિકેશ અને ઉત્તર ભારતના વિવિધ ધામિર્ક સ્થળોની યાત્રા માટે જતા હોય છે. અગાઉ ટ્રેનનો સ્ટોપ ન હોવાથી મુસાફરોને વેરાવળ, જૂનાગઢ અથવા અન્ય સ્ટેશનો સુધી જવું પડતું હતું જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હતો. હવે કેશોદ ખાતે જ ટ્રેનનો સ્ટોપ મળતા મુસાફરોને સીધી અને વધુ સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે સ્થાનિક વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને યાત્રાધામોમાં જતાં શ્રદ્ધાળુઓએ પણ આ ર્નિણયનું સ્વાગત કર્યું છે. તેમના મત મુજબ ટ્રેનના સ્ટોપથી માત્ર યાત્રાળુઓને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ, વેપારીઓ અને અન્ય મુસાફરોને પણ મોટી રાહત મળશે કેશોદ રેલવે સ્ટેશનની ઉપયોગિતા વધશે અને શહેરના વિકાસને પણ પ્રોત્સાહન મળશે ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપ આપવાના ર્નિણય બાદ શહેરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે વિવિધ સામાજિક અને ધામિર્ક સંસ્થાઓ દ્વારા ડો. મનસુખ માંડવીયા રેલવે તંત્ર તેમજ નગરપાલિકા પ્રમુખ  પ્રતિક્ષાબેન દેવળીયાનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેશોદવાસીઓની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થતાં આ ર્નિણયને શહેર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે.