ભાલછેલ ગામે ગેરકાયદેસર રીતે ધમધમતો શ્રી શિવ વિલા રીસોર્ટ સીલ કરાયો : ભારે ખળભળાટ
શ્રી શિવ વિલા રીસોર્ટનાં માલીક તારાચંદ ચોથાણીની સ્ટે અરજીને પણ મહેસુલ સચીવે ફગાવી દેતા બાંધકામ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં ભાલછેલ ગામે સરકારી નિયમોની ઐસીતૈસી કરી અને ગેરકાયદેસર રીતે બાંધકામો ઉભા કરી નિયમોનો સરેઆમ ભંગ કરી અને શ્રી શિવ વિલા રીસોર્ટ ધમધમી રહયો હતો. શ્રી શિવ વિલા રીસોર્ટનાં માલીક તારાચંદ ચોથાણી દ્વારા શરતભંગ કરી અને આ રીસોર્ટ બનાવવામાં આવ્યો હોવાનું ફલીત થયુ હતું. અને જેને લઈને આ રીસોર્ટને તોડી પાડવા માટેની કાર્યવાહી પણ શરૂ થઈ હતી. તો બીજી તરફ રીસોર્ટનાં માલીક તારાચંદ ચોથાણી દ્વારા મનાઈ હુકમ મેળવવાની પણ અરજી કરવામાં આવી હતી. પરંતુ મહેસુલ સચીવે આ અરજીને ફગાવી દેતા બાંધકામ તોડી પાડવાનો હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો. દરમ્યાન તાજેતરમાં મેંદરડાનાં મામલતદાર નિલેશ વીસાણી દ્વારા શ્રી શિવ વિલા પરીસરમાં જાહેર નોટીસ લગાવી અને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે સીલ કરાયેલા બાંધકામમાં કોઈએ પ્રવેશ કરવો નહી. અને સીલ તોડવું નહીં. નવુ બાંધકામ કે ફેરફાર પણ કરવો નહી તેવી સ્પષ્ટ સુચના સાથે આ નોટીસ ફટકારી અને બાંધકામને સીલ કરી દેવાના પગલે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર ભાલછેલ ગામે શ્રી શિવ વિલા નામથી ગેરકાયદેસર રીસોર્ટ બનાવવામાં આવેલ હતો. જેમાં ગ્રામ પંચાયતમાં ખોટા દસ્તાવેજાે રજુ કરી ખોટી રીતે બાંધકામની પરવાનગી પણ મેળવી લીધી હતી. અને ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ર૦ર૧માં તે અંગેની કાર્યવાહી કરી અને રદ કરવામાં આવેલ તેમ છતાં આ રીસોર્ટનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યુ ન હતું. જેથી પ્રાંત અધિકારી મેંદરડા દ્વારા શરતભંગ અંગેની કાર્યવાહી કરી અને શ્રી શિવ વિલાનું બાંધકામ તોડી પાડવા તથા અન્ય દંડનો હુકમ પણ કરવામાં આવેલ હતો. દરમ્યાન શ્રી શિવ વિલાનાં માલીક તારાચંદ ચોથાણી દ્વારા પ્રાંત અધીકારીનાં હુકમ સામે મનાઈ હુકમ મેળવવા માટે સચીવશ્રી સમક્ષ એક અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં ગ્રામ પંચાયત ભાલછેલ તરફથી એડવોકેટ કીરીટ બી. સંઘવી તથા એડવોકેટ પ્રકાશ ભાદરકાને રોકવામાં આવેલ હતાં. જેમાં એડવોકેટ કીરીટ બી. સંઘવી અને એડવોકેટ પ્રકાશ ભાદરકાએ ધારદાર દલીલો રજુ કરી મજબુત રજુઆત કરી હતી. અને સ્પષ્ટ કર્યુ હતું કે બોગસ દસ્તાવેજાેનાં આધારે બાંધકામ કરવામાં આવેલ છે. તેમજ ગામમાં ગંદકી ન્યુસન્સ ફેલાવાય છે. અને મંજુરી વગર વિજ પોલ ઉભા કરી જાેખમ સર્જાયુ છે જેથી મહેસુલ સચીવે આ તમામ દલીલોને ગ્રાહય રાખી રીસોર્ટનાં માલીક તારાચંદ ચોથાણીની મનાઈ હુકમની અરજીને ફગાવી દીધી છે. અને રીસોર્ટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો મુળ હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. અને જેને લઈને તંત્ર દ્વારા સીલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં આ રીસોર્ટનાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ તેમ મનાઈ છે.


