શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહેરામણ
વહેલી સવારથી જ હજારો શિવભકતો દર્શનાર્થે ઉમટી પડયા : હર હર મહાદેવ.. અને જય સોમનાથ.. ના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠયું
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૧૭
સુપ્રસિધ્ધ યાત્રાધામ અને દ્વાદશ જયોર્તિલીંગ એવા ભગવાન સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આજે શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. આજે વહેલી સવારે હજારો શિવભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતાં. હર હર મહાદેવ હર... અને જય સોમનાથ... ના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠયું હતું.
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન સોમનાથનાં દર્શને હજારો ભાવિકો આજે ઉમટી પડયા છે.
વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતાં. વહેલી સવારે ૬ વાગ્યે સોમનાથ મહાદેવની પ્રાત: આરતીનાં દર્શનનો લાભ લઈ અને ભાવિકો ધન્ય બન્યા હતાં.
સતત ચાલતી દર્શન કતારોથી હજારો ભાવિકોએ આરતીનાં દર્શન કર્યા હતાં. સોમનાથ મહાદેવનાં દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે ત્યારે ભાવિકોની ભારે ભીડ વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફ્રીસ્કિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલોક રૂમ અને ઝીગઝેગ લાઈનથી દર્શનની સઘળી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. અને શાંતિપૂર્ણ માહોલમાં હજારો ભકતોએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં.



