સીજેપીના પ્રદર્શનમાં 101 હત્યારાઓ તેમજ રેપિસ્ટ, કીડનેપર સહિત 2873 ગુનેગારો પણ શામેલ હોવાનો દિલ્હી પોલીસનો દાવો
નવી દિલ્હી તા.28
દિલ્હી પોલીસનો દાવો છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનમાં હત્યાના 101 આરોપીઓ સામેલ થયા હતા. પ્રદર્શનમાં આવેલા 2873 લોકોનો ક્રિમિનલ રેકોર્ડ એટલે કે ગુનાહિત રેકોર્ડ મળ્યો છે, જેમાં 989 લોકો પર ગંભીર કેસ હતા.
તેમની ઓળખ ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) અને અન્ય તકનીકી માધ્યમો દ્વારા કરવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે પ્રદર્શનમાં સામેલ થયેલા લોકોમાં હત્યા, યૌન અપરાધ, પોક્સો, લૂંટ સહિત અન્ય ગંભીર કેસોના આરોપીઓ છે.
CJPએ 20 જુલાઈએ સંસદ ચલો માર્ચ કાઢી હતી. આમાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. 25 જુલાઈની સાંજે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી પ્રદર્શન સમાપ્ત થઈ ગયું.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 20 જુલાઈના રોજ થયેલી અથડામણમાં 118થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમાં સ્પેશિયલ કમિશનર, જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર, ડીસીપી, એડિશનલ ડીસીપી અને એસીપી રેન્કના અધિકારીઓ ઉપરાંત અનેક મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ હતી. આ ઉપરાંત, આ ઘટનામાં લગભગ 60 પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી આપવામાં આવી હતી.


