સવારે ઉઠીને તરત જ એકસાથે ૨ થી ૩ ગ્લાસ પાણી પીવું આંખ માટે હાનિકારક સાબિત થઈ શકે: આંખ પર દબાણ વધારે છે, ભવિષ્યમાં જામર રોગ થવાની શક્યતા
તડકામાંથી આવી આંખ પર ઠંડા પાણીની છાટ મારવી નહીં, આંખનું સ્વાસ્થ્ય જાળવવા જૂનાગઢ આયુર્વેદ સરકારી હોસ્પિટલના શાલક્યતંત્ર વિભાગના વૈદ્ય ક્રિષ્ના માકડિયાની સોનેરી સલાહ
જૂનાગઢ તા.૫ આયુર્વેદમાં માત્ર રોગની ચિકિત્સા જ નહીં પણ રોગ થાય તે પૂર્વે તેને અટકાવવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું છે, ખાસ આજના આધુનિક યુગમાં વધતા જતા સ્ક્રીન ટાઈમ, બિનઆરોગ્યપ્રદ ખાન-પાન અને અયોગ્ય જીવનશૈલીને કારણે નેત્ર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારી આયુર્વેદ કોલેજના શાલક્યતંત્ર વિભાગના વૈદ્ય ક્રિષ્ના માકડિયાએ આંખની કાળજી લેવા માટે જરૂરી માર્ગદર્શન કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, આંખ એ આપણી મુખ્ય સેન્સ ઓર્ગન છે. આંખનું એટલું બધું મહત્વ છે કે આંખથી અંધાપો આવી જાય, તો આપણે દુનિયાથી જાણે વિખૂટા પડી જઈએ એટલે આંખના સ્વાસ્થ્યની જાળવણી પણ એટલી જ જરૂરી છે. તેમણે સવારે ઉઠીને પાણી પીવાના સંદર્ભમાં જણાવ્યું કે, સવારે ઉઠીને તરત જ એકસાથે ૨ થી ૩ ગ્લાસ પાણી પીવું આંખ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ અને મોડર્ન સાયન્સ મુજબ, સવારે આંખનું દબાણ વધતું હોય છે અને વધુ પાણી પીવાથી તે વધુ વધે છે, જે ભવિષ્યમાં 'જામર' જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.
તેમણે ઉમેર્યું કે, તડકામાંથી કે ગરમીમાંથી આવ્યા બાદ તરત જ મોઢું ધોવું અથવા આંખ પર પાણીના છાંટા મારવા ન જોઈએ. આનાથી આંખની 'ટીયર ફિલ્મ' બ્રેક થાય છે, જે આંખમાં સુકાપણું (ડ્રાયનેસ) પેદા કરે છે અને ગંભીર કિસ્સામાં રેટાઈનલ હેમરેજ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. રૂમ ટેમ્પરેચર મુજબ શરીર સામાન્ય થયા પછી જ આંખ અને મોઢું ધોવું સલાહભર્યું છે.
વૈદ્ય ક્રિષ્ના માકડિયાએ જણાવ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓએ પોતાની દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેના અભાવે બાળકોમાં પણ ચશ્માના નંબર આવવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, ૪૦ વર્ષની ઉંમર પછી આંખની નિયમિત તપાસ કરાવવી અનિવાર્ય છે, જેથી જામર જેવા અંધાપો લાવતા રોગોથી બચી શકાય.
જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓપીડી નંબર ૧૧ ખાતે નેત્ર રોગોના નિદાન અને સારવાર અંગેની સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. લોકોએ સ્વસ્થ જીવનશૈલી અને યોગ્ય દિનચર્યાનું પાલન કરીને પોતાની દ્રષ્ટિની સુરક્ષા કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, આંખ, નાક, કાન, ગળું, જીભ અને સ્વરતંત્ર - જેને સેન્સ ઓર્ગન કહેવાય છે, એના માટે આયુર્વેદમાં એક અલગથી બ્રાન્ચ છે. જેને આધુનિક વિજ્ઞાન પ્રમાણે હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટ કહી શકીએ. આ વિભાગમાં નેત્ર રોગની નિદાન અને સારવાર કરવામાં આવે છે.
તાજેતરમાં જૂનગાઢમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયોજિત આયુષ મેળામાં શાલક્યતંત્ર વિભાગ દ્વારા મુલાકાતીઓને આયુર્વેદ વિશે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.


