૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ ૧ ફેબ્રુઆરીએ ગિરનાર સર કરવા દેશભરના સ્પર્ધકોનો જમાવડો
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ૫૪૧ સ્પર્ધકો ગિરનાર સર કરવા જાેમ જુસ્સા દોડ લગાવશે
જૂનાગઢ, તા.ર૦
૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે, રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ ૪ કેટેગરીમાં ૫૪૧ સ્પર્ધકો ભાગ લેશે.
આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ ૧૯૬, જુનિયર ભાઈઓ ૧૩૪, સિનિયર બહેનો ૧૨૦ અને જુનિયર બહેનો ૯૧ એમ એકંદરે કુલ- ૫૪૧ સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જાેમ જુસ્સા સાથે દોડ લગાવશે.
ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભારત ભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા તા.૧-૨-૨૦૨૬ના રોજ સિનિયર - જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટી થી અંબાજી મંદીર ૫૫૦૦ પગથીયાં સુધી અને સિનિયર - જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબ સુધી ૨૨૦૦ પગથીયાં સુધી યોજાશે. જેમાં ભારતના જુદા-જુદા ૧૨ રાજયોમાંથી ૫૪૧ અરજી ફોર્મ પસંદગી પામેલ છે.
આ સ્પર્ધામાં ગુજરાત રાજયના ૫ જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ, ચોટીલા, ઇડર, પાવગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓ અને રાજયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૨૫ વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૦૮ (આઠ)સમિતીની રચના પણ કરવામાં આવી છે.
આ સ્પર્ધા માટે પસંદગી પામેલ અને નાપસંદગી પામેલ ખેલાડીઓની યાદી Faceboko Id -Dydo Junagadh ઉપર મુકવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સિનિયર જુનિયર ભાઈઓ, બહેનો માટે સનાતન ધર્મશાળા ભવનાથ તળેટી ખાતે રિપોર્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત તા.૩૦ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.


