ગીર સોમનાથ જીલ્લામાં નવ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો

0

ગઈકાલે લાભપાંચમના દિવસે સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લાના છ તાલુકામાં ઉભા કરાયેલ નવ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં વધુ સાડા ત્રણ હજારથી વધુ  ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરીને સરકારના ખેડૂતલક્ષી અભિગમને આવકાર્યો હોવાનું જાેવા મળી રહેલ છે. ગીર સોમનાથ જીલ્લાના તમામ ખેડૂતો તાલુકા કક્ષાએ નજીકના સ્થળ ઉપર જ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી શકે તેના માટે વહીવટી તંત્રએ ખરીદ કેન્દ્રોના સ્થળની પસંદગીથી લઇ જરૂરી સુવિધાનું આયોજન કરેલ છે. જેમાં જીલ્લાના વેરાવળ (કાજલી) અને સુત્રાપાડા (પ્રાંસલી) માર્કેટીંગ યાર્ડ, કોડીનાર બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જયારે તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરાયું છે. આમ ગઈકાલથી જીલ્લામાં નવ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે જીલ્લાના સુત્રાપાડા યાર્ડ ખાતે પૂર્વ મંત્રી જશાભાઇ બારડે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવેલ, જયારે વેરાવળ યાર્ડ ખાતે સેક્રેટરી કનકસિંહ પરમારે શ્રીફળ વધેરી ખરીદીનો પ્રારંભ કરાવ્યોય હતો. ગઈકાલે ખરીદીના પ્રથમ દિવસે નવેય કેન્દ્રો  ઉપર ૨૦-૨૦ ખેડૂતોને મગફળી લઇને બોલાવવામાં આવેલ હોવાનું તંત્રએ જણાવેલ છે. જીલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે અગાઉ નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ ઉપર એસએમએસથી વેંચાણ માટેની તારીખ અને સમયની જાણ કરીને ખરીદી કેન્દ્ર ઉપર બોલાવવામાં આવશે. ત્યારબાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર ઉપર લઈ જવાની રહેશે સાથે જ ખેડૂતો મગફળીના વેંચાણ માટે આવે ત્યારે નોંધણી સ્લીપ પણ ફરજિયાત પણે લાવવાની રહેશે. ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તેના નિરાકરણ અને માર્ગદર્શન માટે જીલ્લાકક્ષાએ હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે જેના નં-૦૨૮૭૬-૨૮૫૦૦૨ ઉપર ખેડૂતો સંપર્ક કરવા તંત્રએ અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!