જૂનાગઢમાં સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધુત્સવ-ર૦રર નવરાત્રી આરાધનાનું ભવ્ય આયોજન

0

નવરાત્રીનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન પ્રતિ વર્ષની માફક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભારતીય સિન્ધુ સભાનું અધિવેશન પણ જૂનાગઢનાં આંગણે યોજાનાર છે. ત્યારે આ ભવ્ય આયોજન અંગે ગઈકાલે જૂનાગઢનાં મનોરંજન સર્કીટ હાઉસ ખાતે એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. ઉપસ્થિત પદાધિકારીઓએ સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. ગઈકાલે યોજાયેલી આ પત્રકાર પરીષદમાં સિન્ધુ વેલફેર ફાઉન્ડેશનનાં સ્થાપક અને પ્રમુખ સુનિલભાઈ નાવાણીએ સિન્ધુત્સવ-ર૦રર નવરાત્રી આરાધના અંગે જાણકારી આપી હતી. એટલું જ નહી આઝાદીનાં અમૃત મહોત્સવની ૭પ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે સમાજ ઉપયોગી કાર્યો સાથે મહત્વની જાહેરાતોનો વરસાદ વરસાવતાં સૌએ તાળીઓને વધાવી લીધેલ હતું.
જૂનાગઢમાં કાર્યરત સિન્ધુ વેલફેર ફાઉન્ડેશનનાં સ્થાપક પ્રમુખ સુનિલભાઈ નાવાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ અજવાણી અને જનરલ સેક્રેટરી ગિરીશભાઈ કાંજાણીએ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરીષદ સમક્ષ માહિતી આપતા ગૌરવભેર જણાવ્યું હતું કે, આસો મહિનો એટલે માં દુર્ગાની આરાધના કરવાનો અનેરો અવસર છે. ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢ ખાતે સળંગ ૧૧ દિવસ યોજાતો આ દિવ્ય રાસોત્સવ હિન્દુ સંસ્કૃતિ અને સિન્ધી સંસ્કૃતિનું ગૌરવ બની રહે તેવા અમારા નમ્ર પ્રયાસ રહયા છે.
જૂનાગઢમાં વસવાટ કરતા તમામ સિન્ધી પરીવાર માટે આગમી તા. રપ સપ્ટેમ્બરના રોજ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય નિઃશુલ્ક પ્રવેશ આપી પૂર્ણ સન્માન સાથે આ પર્વનો શુભારંભ કરવાની જાહેરાત પ્રમુખ સુનિલભાઈ નાવાણીએ કરી હતી.
પ્રથમ નોરતા એટલે કે ર૬ થી પ ઓકટોબર સુધીનાં આયોજન માટે પાસ વ્યવસ્થા ગોઠવી છે જેમાં સિન્ધુ વેલફેર ફઉન્ડેશન કાર્યાલય, કોલેજ રોડ, સિન્ધુ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીનો સંપર્ક કરવા જણાવાયું છે.
શકિત પૂજાનાં આ અવસરને નોખો-અનોખો ઉજવવાનાં પ્રકલ્પ સાથે પત્રકારોને માહિતી આપતા સુનિલભાઈ નાવાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના આહવાન અનુસાર રાષ્ટ્રસેવા, ગ્રામ સેવાનાં કાર્યો થઈ રહયા છે તેમાં અમો પણ શકિતરૂપેણ દુર્ગા સ્વરૂપ દિકરીઓ માટે નૂતન અભિયાનનો પ્રારંભ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.
આઝાદીનાં ૭પ વૃષનાં ઉપલક્ષમાં ગત વર્ષની જેમ આ વખતે પણ જૂનાગઢ શહેર વિસ્તારમાં વસતા કોઈપણ સિન્ધી પરીવારને ત્યાં પહેલી દિકરીનો જન્મ થશે તેને રૂા. ૭પ હજારનો બોન્ડ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેનાથી દિકરી પુખ્ત ઉંમરની થયે ઉચ્ચ અભ્યાસ કે લગ્નનાં કરિયાવરમાં કામ લાગે. ૭પ સિન્ધી સમાજની બાળાઓને પોસ્ટ ખાતાની સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ રૂપિયા ભરીને બચત ખાતા ખોલાવી દેવાશે.
સિન્ધી સમાજનાં ૭પ યુવકો અને ૭પ યુવતીઓને ડીજીટલ માર્કેટીંગનો સર્ટીફીકેશનનો કોર્ષ નિઃશુલ્ક કરાવી અપાશે. ૭પ કુપોષિત બાળકોને શોધીને તેમને પોષણક્ષમ આહારની કીટ અર્પણ કરાશે. આ ઉપરાંત પ્રાયમરી વિભાગનાં ૭પ જરૂરીયાતમંદ બાળકોને નોટસબુકસનાં ૭પ સેટ આપવાનું જાહેર કરીને સાચા અર્થમાં ધર્મભાવના સાથે સાથે સામાજીક સેવાને પણ જબરૂ પ્લેટફોર્મ પુરૂ પાડયું છે. નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ-વિકલાંગ અને ૭પ વર્ષની વધુ વયનાં જ્ઞાતિનાં વડીલો માટે વડીલ વંદના ભાવ અંતર્ગત ૧૧ દિવસીય મહોત્સવ માટે નિઃશુલ્ક પ્રવેશ ઉપરાંત નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા ગોઠવી હોવાની માહિતી આપી હતી.
આ સિન્ધુત્સવની ઉજવણી માટે આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ કે સમાજનાં કોઈપણ દાતા પાસેથી ફંડ નહી લેવાનો નવતર નિર્ણય જાહેર કરીને સુનિલભાઈ નાવાણી અને તેની ટીમે સમગ્ર સિન્ધી સમાજને શકિત ઉપાસનાનાં આ પર્વમાં ઉલ્લાસ-ઉમંગથી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મહિલા પાંખનાં ડો. પાયલ ગોધવાણી, ડો. મેઘા આહુજા, આસ્થાબેન નાવાણી ઉપરાંત નવનિયુકત ટ્રસ્ટીઓ પણ સિનીયર ટ્રસ્ટીઓને સહયોગ આપવા ભારે જહેમત ઉઠાવી રહયા છે. વેલ ડ્રેસ, પ્રિન્સ-પ્રિન્સેસ અને બાળકોને પણ પ્રોત્સાહન આપવા આકર્ષક ઈનામોની લ્હાણી રાત્રે ૧૧.૪પ કલાકે રાસોત્સવ પૂર્ણ થયે થશે. આ માટે આસ્થાબેન અને તેની ટીમને જવાબદારી સોંપવામાં આવેલ છે.
સિન્ધુત્સવનાં ભગીરથ આયોજનમાં પ્રમુખ સુનિલભાઈ નાવાણી, ઉપરાંત કિશોરભાઈ અજવાણી, ગિરીશભાઈ કાંજાણી, દિલીપભાઈ બહીરવાણી, હરેશભાઈ ક્રિપલાણી, હરેશભાઈ ગોધવાણી, ડો. પાયલ ગોધવાણી, તુલસીભાઈ ઓતવાણી, શ્રીચંદભાઈ લાલવાણી, પ્રેમભાઈ ગોધવાણી, ડો. મેઘા આહુજા, કમલેશભાઈ ધમાણી, તોલારામ ગહેનાણી, નરેશભાઈ ચેલાણી, સુમિતભાઈ વિધણી, જીમ્મીભાઈ રત્નાણી, અશોકભાઈ લાલવાણી, અંકિતભાઈ મદનાણી, રાજાભાઈ ભાનુશાળી અને હિતેષભાઈ નંદવાણી સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

error: Content is protected !!