વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી પર્વ અંતર્ગત ગઈકાલે જૂનાગઢનાં અક્ષરવાડી મંદિર ખાતે સભા મંડપમાં એક ભવ્ય સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દૂર દૂરથી પધારેલા વરીષ્ઠ સંતો ખાસ ઉપસ્થિત રહયા હતાં. અને આગામી ડીસેમ્બર માસમાં અમદાવાદ ખાતે પૂ. પ્રમુખ સ્વામી મહારાજનાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે આ કાર્યક્રમમાં વધુને વધુ ભાવિકો, સંતો જાેડાય તે માટે અનુરોધ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજે ભારત દેશ તેમજ વિદેશોમાં પણ ધર્મનો પ્રચાર, સેવાકીય કાર્યો અને નાનામાં નાના વ્યકિતથી લઈ ટોચની વ્યકિત સુધી સૌ કોઈ સાથે એકસમાન અને પ્રેમ વરસાવેલ. સમાજ ઉપયોગી અનેક સેવાનાં કાર્યો કરી આજે સમગ્ર સમાજને આધ્યાત્મીક, શિક્ષણ ક્ષેત્રે, સામાજીક, સાંસ્કૃતિક અને ખાસ કરીને આપણા ધાર્મિક વારસાને સતત જાળવી રાખી તેમજ સૌ પ્રત્યે પ્રેમભાવ રાખી અને દરેક પ્રત્યે આદરભર્યુ વલણ અને વર્તાવ કરી અને સમગ્ર સમાજને એક તાંતણે બાંધી રાખવાની જે મહત્વની કામગીરી કરી છે. અને દેશ વિદેશમાં પણ જયારે મંદિરોનાં નિર્માણ કરી અને સાંસ્કૃતિક વારસો ફેલાવવામાં આવી રહયો છે ત્યારે આવા મહાન સંતનાં ચરણોમાં ગઈકાલે ભાવિભોર થઈ સંતોએ ભાવપૂર્વક ભાવાંજલી અર્પી હતી. ગઈકાલે અક્ષરવાડી સંસ્થાનાં ગુણાતીત સભા મંડપ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વર્ષ ઉપક્રમે ગઈકાલે જૂનાગઢ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે અખિલ જૂનાગઢ પ્રાંતનાં મહામંડલેશ્વર સંતો-મહંતોનું દિવ્ય સંત સંમેલન યોજાયું હતું.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પણ ભારત સાધુ સમાજનાં સંતોને, તમામ ધર્મચાર્યોને ખુબ જ આદર આપતા હતાં. બીએપીએસ સંસ્થાન સન ર૦ર૩નું આ વર્ષ પ્રમુખ સ્વામી મહારાજનાં જન્મ શતાબ્દી વર્ષ તરીકે વિવિધ અભિયાનો કાર્યક્રમો અને સેવા દ્વારા ઉજવી રહી છે. તે અંતર્ગત ગઈકાલે જૂનાગઢમાં વિશાળ સંખ્યામાં સંતો-મહંતોનું સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિપળો વાગોળી ગુણાનુગાન ગાઈને પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલી સમર્પિત કરવામાં આવી હતી. સંસ્થાનાં પ્રસિધ્ધ વકતા અપૂર્વમુની સ્વામીએ સ્વાગત વચનો દ્વારા સૌ પૂજનીય સંતોને સત્કાર્યા હતાં. તેમજ પ્રમુખ સ્વામી મહારાજનાં સેવા સંગાથી થઈને વિચર્યા એવા ડો. વિવેક સાગરસ્વામી પણ ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે સંત સંમેલનમાં મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી, ધર્મભૂષણ સંત રાજેન્દ્રદાસજી મહારાજ, મહેશગીરીખજી મહારાજ, મહાદેવગીરીજી મહારાજ તેમજ જૂનાગઢ અને સોરઠ અને સૌરાષ્ટ્ર પ્રાંતનાં વિવિધ ધાર્મિક સ્થળોનાં મહંત, ગાદીપતિ, મહામંડલેશ્વર અને વરીષ્ઠ સંતો આ સંત સંમેલનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રસિધ્ધ વકતા અપૂર્વમુની સ્વામીએ કર્યુ હતું. જૂનાગઢ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સ્વયં સેવકો અને હરિભકતોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.