ગરવા ગિરનારની પરિક્રમા શાંતીપૂર્ણ માહોલમાં પૂર્ણ : ૧ર લાખથી વધારે ભાવિકોએ પુનીત ભાથું બાંધ્યું

0

દુર-દુરથી ભાવિકો પરિક્રમાનાં મેળામાં આવી પહોંચ્યા હતા : એક દિવસ વહેલી શરૂ થઈ હતી અને એક દિવસ વહેલી પરિક્રમા સંપન્ન થઈ છે

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિમીની લીલી પરિક્રમા એક દિવસ વહેલી પૂર્ણતાનાં આરે પહોંચી છે. પરિક્રમાનો મેળો શાંતીપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ રાહતનો દમ લીધો છે. ૧ર લાખ ઉપરાંત ભાવિકોએ આ વર્ષે પરિક્રમાનું પુનીત ભાથું બાંધ્યું છે અને હવે વતનભણી રવાના થઈ ચુકયા છે. ઉપરાંત ધાર્મિક સ્થળોએ પણ પરિક્રમાર્થીઓનો પ્રવાહ વહેતો થયો છે. દર વર્ષે યોજાતી ગિરનારની આ પરિક્રમા દેવ દિવાળીનાં દિવસે તા.૪-૧૧-ર૦રરનાં રોજ સત્તાવાર રીતે શરૂ થઈ હતી. મધ્યરાત્રીએ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો શુભારંભ થયો હતો. જાેકે, એક દિવસ વહેલી પરિક્રમા શરૂ થઈ હતી અને સત્તાવાર રીતે પરિક્રમા શરૂ થાય તે પહેલા દોઢ લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી દીધી હતી. પરિક્રમા દરમ્યાન ભાવિકોની સુખ-સુવિધા માટે તેમજ પ્રસાદ-ભોજન માટે ધાર્મિક સંસ્થા, સેવાકીય મંડળો, ઉતારા મંડળો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા હતા. ભારે ઉત્સાહીત રીતે પરિક્રમાનો મેળો માણવા આવેલ લાખો ભાવિકો ૩૬ કિમીનાં જંગલ વિસ્તારમાં પદયાત્રા શરૂ કરી હતી અને જયાં રાત્રીએ પહોંચે ત્યાં મુકામ કરી અને ભજન, ભોજન અને સંતવાણીનાં કાર્યક્રમો યોજી અને જંગલમાં મંગલ જેવું વાતાવરણ કરી દીધી હતું. પરિક્રમા આ વર્ષે શાંતીપૂર્ણ રીતે સંપન્ન થઈ રહી છે ત્યારે જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, વન વિભાગ અને સંબંધીત તમામ તંત્રએ રાહતનો દમ લીધો છે.

error: Content is protected !!