દેવભૂમિ દ્વારકાની રાવલ નગરપાલિકામાં સત્તા પરિવર્તન : બહુમતી સભ્ય સાથેનો સ્થાનિક પક્ષ લઘુમતીમાં : ભાજપનો ભગવો લહેરાયો

0

કોંગ્રેસ અને સત્તાધારી જૂથનો ટેકો લઈ અને ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી રાવલ નગરપાલિકામાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસને મહાત આપી અને સ્થાનિક એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (વી.પી.પી.)એ બહુમતી મેળવી, સત્તા સંભાળ્યા બાદ આંતરિક સખળ-ડખળ તેમજ પાલિકાના હોદ્દેદારો સામે અવિશ્વાસની દરખાસ્તો બાદ ભાજપએ સોગઠી દાવ રમી અને સતાધારી વી.પી.પી. તથા કોંગ્રેસના સભ્યોનો ટેકો લઈ અને સતા આંચકી લીધી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની નગરપાલિકામાં છ વોર્ડ માટે વર્ષ ૨૦૨૦ માં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં ૨૪ પૈકી ૧૨ સભ્યોની બહુમતીથી સ્થાનિક પાર્ટી એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (વી.પી.પી.)નું શાસન સ્થપાયું હતું. જ્યારે રાવલ નગરપાલિકામાં ભાજપના આઠ તથા કોંગ્રેસના ચાર સભ્યો વિજેતા બન્યા હતા. વી.પી.પી.ના સત્તાકાળ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ જાદવ તથા ઉપપ્રમુખ લીલુબેન વિજયભાઈ સોલંકી સામે વોર્ડ નંબર ૧ માંથી ચૂંટાયેલા લલીતભાઈ લક્ષ્મણભાઈ જાદવ દ્વારા પરિવર્તન પાર્ટીના સભ્યો ઉપરાંત ભાજપ તેમજ કોંગ્રેસના મળી ૧૭ સભ્યોની સંયુક્ત સહીઓથી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન કથિત રીતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વી.પી.પી. દ્વારા અગાઉ બે સભ્યોને સસ્પેન્ડ કરતો પણ હુકમ કરવામાં આવ્યો હતો. પાલિકાના સભ્યોને સંકલનમાં રહીને કામ થતું ન હોવાથી ઉપરાંત પાલિકા દ્વારા કરવામાં આવતા બિનજરૂરી ખર્ચા વિગેરે મુદ્દે કરવામાં આવેલી આ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે પ્રાંત અધિકારી દ્વારા નિયત સમયગાળા દરમ્યાન જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો. જે ગત માસમાં મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રાવલ નગરપાલિકા ખાતે કલેક્ટર દ્વારા જ્યાં સુધી સભ્યો વચ્ચે નવી ચૂંટણી ન થાય ત્યાં સુધીના સમયગાળા માટે કામ ચલાઉ રીતે પ્રમુખની પણ વરણી કરવામાં આવી હતી. બે અલ્ટીમેટમમાં એક માસના સમયગાળા દરમ્યાન સત્તાધારી જૂથ ખાસ બેઠક બોલાવી અને વિશ્વાસનો મત રજૂ કરવા માટે નિષ્ફળ જતા આના અનુસંધાને પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી સંદર્ભે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની અધ્યક્ષતામાં રાવલ નગરપાલિકા ખાતે ગઈકાલે સોમવારે સવારે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ મહત્વની બેઠક પૂર્વે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા વી.પી.પી. તથા કોંગ્રેસના સભ્યો સાથે ખાસ ગોઠવણ કરી અને સત્તા પરિવર્તન માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. સોમવારે રાવલ ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, મંત્રી રાજુભાઈ ભરવાડ, કેતનભાઈ બુધ્ધભટ્ટી સહિતના હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ભાજપના આઠ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના દસ, તથા કોંગ્રેસના ચાર સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે વી.પી.પી.ના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. નિયત સમયમાં નિયમ મુજબ યોજવામાં આવેલી આ ખાસ બેઠકમાં અવિશ્વાસની દરખાસ્તના સંદર્ભે ભાજપના આઠ સભ્યોએ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ત્રણ તથા કોંગ્રેસના ત્રણ સભ્યોનું સમર્થન મેળવી કુલ ૧૪ સભ્યોએ બહુમતી મેળવી સામે વ્યવસ્થા પાર્ટીના સાત અને કોંગ્રેસના એક સદસ્ય સહિત કુલ ૮ ના વિરોધ વચ્ચે બહુમતીથી થતા મેળવવા સફળતા મેળવી હતી. આમ, ભાજપે બહુમતી મેળવી સત્તાધારી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી લઘુમતીમાં આવી જતા ભાજપ દ્વારા સંકલન સાથીને નવા પ્રમુખ તરીકે લલિતભાઈ લખમણભાઈ જાદવ અને ઉપપ્રમુખ તરીકે લાખીબેન લખમણભાઈ જાદવને બહુમતીથી ચૂંટવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવા વરાયેલા પ્રમુખ લલીતભાઈ જાદવ તથા ઉપપ્રમુખ લાખીબેન લખમણભાઈ જાદવ વર્ષ ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીમાં વીપીપીના સિમ્બોલ ઉપર ચૂંટાયા હતા અને ત્યારબાદ તેમણે ભાજપને ટેકો આપતા તેઓને આ મહત્વના હોદ્દાનો શિરપાવ સાંપળ્યો છે. આ પડકારરૂપ સત્તા પરિવર્તનની માટે દ્વારકાના ધારાસભ્ય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની ટીમના હોદ્દેદારોની નોંધપાત્ર જહેમત સફળ થઈ હતી.

error: Content is protected !!