રાજકોટમાં રાજયસરકાર દ્વારા આયોજિત જ્ઞાન સાથે ગમ્મત સમર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

0

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત વિકાસ કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વેકેશન દરમ્યાન બાળકોમાં ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપવાના હેતુસર તા. ૦૧થી ૧૦ મે દરમ્યાન સમર કેમ્પ યોજાયો હતો. જેમાં નિષ્ણાત કોચ દ્વારા ચેસ, બેડમિન્ટન, ખો-ખો, કબડ્ડી, બાસ્કેટ બોલ, વોલી બોલ, લોન ટેનિસ, તીરંદાજી, એથ્લેટિક્સ અને યોગાસનની તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટમાં ૧૨ સ્થળોએ આયોજિત દસ દિવસીય સમર કેમ્પમાં ૧૭ વર્ષથી ઓછી વયના ૯૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક રમતમાં ૩૫ બહેનો અને ૪૦ ભાઈઓ એમ કુલ ૭૫ ખેલાડીઓ જાેડાયા હતા. જે પૈકી રમત-ગમતની સ્પર્ધાઓમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરી શકે, તેવા શ્રેષ્ઠ ૧૦ રમતવીરોનો આગામી તાલીમ કાર્યક્રમમાં સમાવેશ કરવા ભલામણ કરાઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે સમર કેમ્પ થકી બાળકોમાં રહેલા રમત-ગમત કૌશલ્યને ખીલવવાનો ઉદેશ પરિપૂર્ણ થયો હતો. કેમ્પમાં બાળકોને જે-તે રમતનું શિક્ષણ, રમતગમતના સાધનોની જાણકારી ઉપરાંત પ્રેક્ટીસ માટે મોકળું મેદાન પૂરૂ પડાયું હતું. આથી, ‘જ્ઞાન સાથે ગમ્મત’નું ઉત્તમ દ્રષ્ટાંત એવા સમર કેમ્પને વાલીઓ અને બાળકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

error: Content is protected !!