સોમનાથથી અયોધ્યા “શ્રી રામ નામ મંત્રલેખન મહાયજ્ઞ”નો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ

0

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વતા તેમજ સામ્યતા બંને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃસર્જન ની અદ્વિતિય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાંતણે જાેડે છે. સોમનાથની ભૂમિ પરથી જ શ્રીરામ મંદિર પુનઃ નિર્માણના ઉદાહરણ સંકલ્પનો પ્રારંભ થયેલ ત્યારે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર નિર્માણ પૂર્ણ થયે પ્રાણ પ્રતિષ્ઠા થવાના પાવન પ્રસંગ પર સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામનામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેને “સોમનાથ થી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ” નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગર રાજભવન ખાતે
શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરીને સોમનાથ થી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સોમનાથમાં શ્રીરામ નામ મંત્ર લેખનનો વિશેષ મહિમા એટલા માટે છે, કે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવલીલા ને વિરામ આપ્યો, એવી પ્રભાસની આ પવિત્ર ભુમી પર પ્રભુ શ્રી રામના આગમનનો પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જાેવા મળે છે. ત્યારે સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના સાનિધ્યમાં સવારે ૭ઃ૩૦ વાગ્યા થી સાંજે ૮ઃ૦૦ વાગ્યા સુધી આ મંત્ર લેખન મહાયજ્ઞ ચાલશે. દેશ વિદેશમાંથી આવનારા ભક્તો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરીને અયોધ્યા શ્રી રામ મંદિર પુનનિર્માણના ધન્ય ક્ષણના સાક્ષી બનશે.
મોટી સંખ્યામાં ભક્તોને રામ નામ લેખન યજ્ઞનો લાભ મળે તે માટે શ્રી સોમનાથ મંદિરથી સમયાંતરે એક બસ ભકતોને રામ મંદિર સુધી લઈ જશે. ભકતો માટે શ્રી રામ મંદિરમાં રામ નામ લખવા માટે તૈયાર કરાયેલા વિશેષ પુસ્તકો અને લેખનીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખન મહાયજ્ઞ માટે તમામ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રી રામનામ મંત્ર લેખન યજ્ઞમાં લેખન સેવા આપનાર દરેક ભક્તને ભગવાનના પ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદ કરાવવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારે ભકતો દ્વારા સોમનાથ ખાતે શ્રી રામ મંદિરમાં રામનામ લખવામાં આવેલ પુસ્તકો સનાતન ધર્મના અખંડ આસ્થાના બે મુખ્ય કેન્દ્ર સોમનાથ અને અયોધ્યાની ઐતિહાસિક યાત્રાના સાક્ષી બનશે. ભકતો દ્વારા લખાયેલ રામનામ શ્રી રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવામાં આવશે. અને ભક્તોનું લેખન પુણ્ય ભારતના ભાગ્યોદયનું સાક્ષી બનશે.

error: Content is protected !!