દ્વારકાધીશ જગતમંદિરમાં આજે વસંત પંચમી મહોત્સવ: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

0
દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ બુધવાર તારીખ 14 ના રોજ વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાશે. શ્રીજીને મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર યોજાશે તેમજ આંબાનું રોપણ કરાશે. નિજમંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરાશે. બપોરે 2 વાગ્યે ઠાકોરજીને અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાશે. બપોરે 2 થી 3:30 સુધી ઉત્સવ દર્શનનો લાભ ભાવિકોને પ્રત્યક્ષ તેમજ વિવિધ ઓનલાઈનના માધ્યમથી થશે. જયારે સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજાશે.
ઋતુઓમાં હું વસંત છું : શ્રીકૃષ્ણ વસંત ઋતુ એટલે ભારતવર્ષનો વેલેન્ટાઈન દિવસ
ઋતુકાળ મુજબ આ દિવસથી વસંત ઋતુનો પ્રારંભ થતો હોય પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી હોય તેમ રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નઝારો જોવા મળે છે. વસંતમાં કૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે. વસંત ઋતુમાં સરળતા, સહજતા તથા નિખાલસતા છે. આથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે ઋતુઓમાં હું વસંત છું. કવિઓ પણ વસંત ઋતુને યૌવન ગણાવે છે. ખરા અર્થમાં વસંત ઋતુ એટલે ભારતવર્ષનો વેલેન્ટાઈન દિવસ. કોઈપણ વ્યક્તિના મનમાં પ્રેમની સ્કૂરણા થાય છે. પ્રેમની અભિવ્યકિત રજૂ કરવા માટે કુદરતે આપેલો ખૂબ સરસ સમય એટલે વસંત.
વણજોયું મુહુર્ત એટલે વસંત પંચમી
વર્ષ દરમ્યાન આવતાં મહત્વના મુહુર્તમાં વસંત પંચમીને વણજોયું મુહુર્ત ગણવામાં આવે છે. આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો, લગ્ન, વેવિશાળ, ગૃહ પ્રવેશ, વાસ્તુ, વિદ્યાનો પ્રારંભ જેવા શુભ કાર્યો કરી શકાય છે. આવા કોઈપણ શુભકાર્યો કરવા આ દિવસે પંચાંગ કે મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી.
error: Content is protected !!