આસ્થાના કેન્દ્ર એવા પ્રતિ વર્ષ યોજાતા શિવરાત્રીના મેળા અંગે કાયમી ધોરણે ‘માસ્ટર પ્લાન’ ઘડી કાઢવા માંગ
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આગામી તા.પ થી ૮ માર્ચ સુધી શિવરાત્રીનો મહામેળો યોજાનાર છે ત્યારે આ મેળાને લઈને સામાજીક મંડળો, સંતો દ્વારા અનેક સુચનો થયા છે ઉપરાંત વહિવટી તંત્ર દ્વારા પણ મેળાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમ્યાન દર વર્ષે યોજાતા આ મેળામાં કાયમી ધોરણે વ્યવસ્થા ઉભી કરવી જાેઈએ તેવી લાગણી પ્રવર્તી રહી છે અને આ મેળા અંગે સરકારના લેવલથી એક માસ્ટર પ્લાન ઘડાઈ જાય અને તેની અમલવારી થાય તેવી પણ લાગણી ભાવિકોમાં પ્રવર્તી રહી છે.
ગુજરાતનું ઐતિહાસીક અને ધાર્મિક તેમજ પ્રવાસનની દ્રષ્ટીએ ખુબ જ મહત્વ ધરાવતું જૂનાગઢ અને તેને નજીક જ આવેલા ભવનાથ ક્ષેત્ર અને ગિરનારની પર્વત માળા અને ધાર્મિક સ્થળો અહીં પ્રવાસન જનતાને કાયમને માટે આકર્ષી રહ્યા છે. સરકાર દ્વારા પણ જૂનાગઢ આધ્યાત્મિક દ્રષ્ટીએ અને પ્રવાસન દ્રષ્ટીએ હબ બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે અને જેને લઈને જૂનાગઢ શહેર અને ભવનાથ ક્ષેત્ર આજે પ્રવાસન ધામ તરીકે સંપુર્ણ વિકસી ગયું છે અને હજુ અનેક કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. દરમ્યાન અહીં ગિરનાર ક્ષેત્રમાં વર્ષ દરમ્યાન યોજાતા પરિક્રમાનો મેળો, શિવરાત્રીનો મેળો અને પૂજય દાતાર બાપુના ઉર્ષનો મેળો ખુબ જ ભાવપુર્વક યોજાઈ છે અને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગત ગિરનારની લીલી પરિક્રમમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ પરિક્રમાનું પુનિત ભાથું બાંધ્યું હતું અને આગામી નજીકના સમયમાં જ જયારે શિવરાત્રીનો મહામેળો યોજાવાનો છે ત્યારે આ મેળામાં પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાના છે. આ વર્ષે ૧ર લાખ કરતા પણ વધારે ભાવિકો શિવરાત્રી મેળામાં ઉમટી પડે તેવી ધારણા છે. આગામી તા.પ માર્ચથી ૮ માર્ચ દરમ્યાન શિવરાત્રીનો આ મેળો યોજાવાનો છે ત્યારે સ્થાનિક કક્ષાએથી આયોજન થઈ રહ્યા છે તેમજ સંતો-મહંતો, સેવાકીય સંસ્થાઓ, ઉતારા મંડળ વિગેરે દ્વારા પણ મેળાને લઈને સ્થાનિક તંત્રને તેમજ સરકારમાં પણ ઉપયોગી સુચનો કરવામાં આવેલ છે. સૌથી મોટી વાત એ છે કે તમામનું કહેવું એક જ છે કે શિવરાત્રી મેળામાં આયોજનબધ્ધ રીતે કાર્યો થાય તેમજ આ મેળામાં આવતા લાખોની સંખ્યામાં ભાવિકોને તેમજ અહીં પધારતા સંતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેવી સુચારૂ વ્યવસ્થા માટે રજુઆતો કરવામાં આવી રહી છે. એક બાબત તો નિશ્ચિત છે કે શિવરાત્રી અને પરિક્રમાનો મેળો દર વર્ષે યોજાઈ છે અને ૧૦થી ૧ર લાખની મેદની ઉમટી પડે છે આ પણ એટલું જ સત્ય છે. ત્યારે આ મેળાને અનુલક્ષીને સરકાર દ્વારા એવું આયોજન થવું જાેઈએ કે કાયમી ધોરણે વ્યવસ્થા ઉભી થવી જાેઈએ. શિવરાત્રી મેળો કે પરિક્રમાનો મેળો આવે ત્યારે દર વર્ષે આ મેળાના થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા બેઠકો ચલાવવામાં આવે અને સુચનો માંગવામાં આવે અને દર વર્ષે આ જ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. પરંતુ જાે કાયમી ધોરણે યોગ્ય વ્યવસ્થા અને સમિતીની રચના કરી નાખવામાં આવે અને માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવે તો મેળાની તૈયારીમાં સરળતા રહે તેવું પણ ભાવિકોનું અને લોકોનું માનવું છે. શિવરાત્રીના મેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મેળામાં ૧૦ થી ૧ર લાખની જનતા ઉમટી પડનાર છે ત્યારે આ મેળા માટેનો માસ્ટર પ્લાન તત્કાલ અને એ પણ કાયમી ધોરણે ઘડી કાઢવામાં આવે તેવી લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે.